કચ્છના સફેદ રણ ઘોરડો ખાતે G-20ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે, કેન્દ્રિય ટીમે લીધી મુલાકાત
ભૂજઃ કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા’ના સ્લોગન બાદ કચ્છના પ્રવાસન ઉદ્યોગનો સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડો ખાતેના સફેદ રણના નજારાને નિહાળવા માટે દેશ-વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે સંભવિત આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી G-20 આંતરરાષ્ટ્રીય પરિષદ ઘોરડો ખાતે યોજાય તેવી શક્યતા છે. આ સંદર્ભે કેન્દ્રિય ટીમે તાજેતરમાં ઘોરડાની મુલાકાત લીધી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ડિસેમ્બર મહિનાથી ભારતને એક વર્ષ માટે G-20ની સમીટનું અધ્યક્ષપદ પ્રાપ્ત થશે ત્યારે દેશમાં વિવિધ સ્થળોએ બેઠકો યોજવાની હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, કચ્છના સફેદ રણમાં પણ G-20 ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. જે ખરેખર માત્ર કચ્છ નહીં પણ ગુજરાત માટે મહત્વપૂર્ણ બાબત છે, આ પરિષદના આયોજન સંદર્ભે કેન્દ્ર સરકારના વિવિધ અધિકારીઓએ ધોરડોની મુલાકાત લીધી હતી. અને આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મંગળવારે આ ટીમના સભ્યોએ ધોળાવીરા અને કાલે કાળો ડુંગરની પણ મુલાકાત લધી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, G-20 સમીટના આયોજન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ સેક્રેટરીયલ ટીમની રચના કરવામાં આવી છે. જેના સાત સભ્યો કંડલા એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ધોરડો ખાતે પહોંચ્યા હતા. મંગળવારે કાર્તિકી પૂનમનો નજારો નિહાળ્યો હતો. દિવસ દરમિયાન G20 બેઠક માટે કોન્ફરન્સના સ્થળો, આવાસ સુવિધાઓ, પરિવહન અને અન્ય લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓની ભૌતિક ચકાસણી કરી હતી. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ જૈન, સ્પેશ્યલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સિંઘ,સિક્યુરિટીના બી.કે.શર્મા, પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જશવિંદરસિંઘ, વેંકટ આરડી, થોમસ કુકના જનરલ મેનેજર અમૂલ્ય રતન સહિતના અધિકારીઓએ મંગળવારે ધોરડો ટેન્ટસીટી અને સફેદ રણની મુલાકાત લેવા સાથે ભુજથી ધોરડો હાઇવેની પણ સમીક્ષા કરી હતી. આ ટીમના સભ્યો ધોળાવીરા ટેન્ટસીટી તેમજ કાળો ડુંગરની વિઝીટ કરી રહ્યા છે. આ ત્રિદિવસીય મુલાકાત દરમિયાન વિવિધ બાબતોની સમીક્ષા કરી આયોજન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે,ભારત ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 સુધી G20 સમિટનું અધ્યક્ષ સંભાળશે. અને સમગ્ર વર્ષ દરમિયાન 200 થી વધુ બેઠકો યોજાશે. ભારત અદભૂત ઈતિહાસ અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. જેથી સરકાર આ મહત્વપૂર્ણ બેઠક દેશના પ્રસિદ્ધ સ્થળોએ યોજીને આ વિરાસતને વિખ્યાત કરવા માગે છે. જેના થકી ઐતિહાસિક સ્થળોની જાળવણી પણ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, G-20 સમિટમાં ભાગ લેવા વિવિધ 20 દેશના પ્રતિનિધિઓ સફેદ રણમાં હાજરી આપવાના છે ત્યારે તેઓ સ્પેશ્યલ ચાર્ટડ પ્લેનથી આવવાના હોઇ કંડલા કે ભુજ એરપોર્ટ પર ઉતરાણ કરી પછી ધોરડો સુધી બાય રોડ જાય તેવી શકયતા છે. અથવા તો ખાસ ધોરડોમાં હેલિપેડ બનાવવામાં આવશે. જો તેઓ રસ્તા પરિવહનનો ઉપયોગ કરશે તો ભુજ-ખાવડા નેશનલ હાઇવે ફરી નવો બનાવાશે. હાલમાં કંડલા ઍરપોર્ટ પર ફલાઇટ કનેક્ટિવિટી વધુ છે પણ ભુજ એરપોર્ટમાં નવી વિમાની સેવા મંજૂર થતી નથી. અહીં અઠવાડિયામાં માત્ર 4 જ દિવસ અમદાવાદ અને મુંબઈની સેવા છે ત્યારે આ બેઠકને લઈને વધુ ફલાઇટ સેવા શરૂ થાય તેવા સંજોગો પણ જોવા મળી રહ્યા છે. G20 એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. તેમાં ભારત સહિત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની,ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.