Site icon Revoi.in

કચ્છના ઘોરડો ખાતે 7મીથી 9મી ફ્રેબુઆરી દરમિયાન G-20ની ટૂરિઝમ વર્કિંગ ગૃપની બેઠક યોજાશે

Social Share

ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકાથી પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં સફેદ રણનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોરડાની મુલાકાતે આવે છે. ત્યારે પ્રવાસન ક્ષેત્રે કચ્છને વધુ ઊજાગર કરવા માટે તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે G-20ની બેઠકનું ધોરડો ખાતે આયોજન કરવામાં આવ્યું છે. G-20 સમિટ હેઠળ ગુજરાતની યજમાનીમાં બીજી બેઠક 7 ફેબ્રુઆરીથી કચ્છના સફેદ રણ ધોરડો ખાતે યોજાશે. 7થી 9 ફેબ્રુઆરી દરમિયાન ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક મળશે. આ બેઠકમાં 20 દેશ અને 15 ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ ભાગ લેશે. વૈશ્વિક પ્રવાસન સ્થળ એવા કચ્છના સફેદ રણ ખાતેથી ગ્લોબલ ટૂરિઝમના વિવિધ મુદ્દાઓ અંગે આ પ્રતિનિધિઓ ચર્ચા કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કચ્છના ધોરડો ખાતે યોજાનારી G-20ની ટૂરિઝમ વર્કિંગ ગૃપની બેઠક સેક્રેટરી લેવલની ઇવેન્ટ છે, જેમાં ભાગ લેવા આવનારા પ્રતિનિધિઓ 7 ફેબ્રુઆરીએ દિલ્હીથી ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે ભુજ એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યાં તેમનું સ્વાગત કર્યા બાદ તેમને ધોરડો લઈ જવાશે. અને ત્યાં પણ ગુજરાત અને ખાસ કરીને કચ્છી પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવશે. આ દિવસે તેમને સફેદ રણમાં ડેઝર્ટ સફારીનો અનુભવ કરાવવામાં આવશે. સાંજે ટેન્ટ સિટી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરીએ બે સાઇડ ઇવેન્ટ યોજવામાં આવશે, જેમાં સમુદાયોનાં સશક્તિકરણ માટે ગ્રામ્ય પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને યુએનડબ્લ્યુટીઓના ટૂરિઝમ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટિટિવનેસના વડા સાંદ્રા કારવાઓ ઉપસ્થિત રહેશે. પ્રવાસન નીતિ ગ્રામીણ વિકાસમાં કેવી રીતે સમર્થન આપી શકે તે વિષય પર પેનલ ડિસ્ક્શન પણ થશે. ત્યાર બાદ 8 ફેબ્રુઆરીએ ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું ઉદઘાટન થશે અને 5 મુદ્દા પર વર્કિંગ સેશન યોજાશે. 9 ફેબ્રુઆરીએ કચ્છના સફેદ રણમાં યોગ સેશન યોજાશે. ત્યાર બાદ પ્રતિનિધિઓ હડપ્પન સંસ્કૃતિની યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે.