G20: ભારત મંડપમ ખાતેની ભવ્ય નટરાજની પ્રતિમા ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના જીવનલક્ષી પાસાઓને ઉજાગર કરે છે
નવી દિલ્હીમાં યોજાનાર G-20 શિખર સંમેલનને લઇને મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ છે. પ્રતિનિધિમંડળના પ્રમુખો દિલ્હી પહોંચી રહ્યા છે. નાઇઝિરીયાના રાષ્ટ્રપતિ પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ શિખર સંમેલનમાં આવનાર પ્રતિનિધિ મંડળના પહેલા પ્રમુખ છે. પદભાર ગ્રહણ કર્યા બાદ નાઇઝિરીયાના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત યાત્રા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી ભારત પ્રવાસે આવી રહ્યા છે.
દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપમાં 9 સપ્ટેમ્બરથી G-20 શિખર સંમેલન યોજાવાનું છે. જેમાં વિવિધ દેશના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેવાના છે. ભારત મંડપમની વિશેષતાઓને લઈને PM મોદીએ ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે ભારત મંડપમ ખાતેની ભવ્ય નટરાજની પ્રતિમા ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના જીવનલક્ષી પાસાઓને ઉજાગર કરે છે. વિશ્વ G-20 સમિટ માટે ભારતમાં એકત્ર થશે, તે ભારતની વર્ષો જૂની કલાત્મકતા અને પરંપરાઓના પ્રમાણપત્ર તરીકે ઊભી રહેશે.
દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ મહિનાની 9 તારીખથી શરૂ થનારી G20 સમિટ દરમિયાન લાદવામાં આવનાર નિયંત્રણો અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. દિલ્હી સરકારે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તમામ પ્રકારના માલસામાન વાહનો, કોમર્શિયલ વાહનો, આંતરરાજ્ય બસો અને સ્થાનિક સિટી બસો આજની રાતથી 10 સપ્ટેમ્બર સુધી મથુરા રોડ, ભૈરો રોડ, આશ્રમ ચોકથી આગળ, પુરાણા કિલા રોડ અને પ્રગતિ મેદાન ટનલની અંદર દોડશે નહીં. 8 સપ્ટેમ્બરના રોજ સવારે 5 વાગ્યાથી 10 સપ્ટેમ્બર સુધી નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારને “નિયંત્રિત ઝોન-1” ગણવામાં આવશે.