બેંગલુરુમાં G20 TIWGની યોજાશે બેઠક,WTOમાં સુધારા, વૈશ્વિક વેપારના મુદ્દાઓ પર થશે ચર્ચા
દિલ્હી : ભારતના G20 પ્રમુખપદ હેઠળ બીજી ‘ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ’ (TIWG) બેઠકનું આયોજન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 23 થી 25 મે દરમિયાન કરવામાં આવી રહ્યું છે. બીજી TIWG બેઠકનું ઉદ્ઘાટન 24 મેના રોજ થશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ આ બેઠકનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ બેઠકમાં G-20 દેશોના 100 પ્રતિનિધિઓ, આમંત્રિત દેશો, પ્રાદેશિક જૂથો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લેશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
TIWG મીટિંગમાં બહુપક્ષીય વેપાર પ્રણાલી, વૈશ્વિક વેપારમાં MSME ને એકીકૃત કરવા, GVC ને લવચીક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. 23 મેના રોજ TIWGના પ્રથમ દિવસે વેપાર અને ટેકનોલોજી પર સેમિનારનું આયોજન કરવામાં આવશે. ટેક્નોલોજી વ્યવસાયને કેવી રીતે બદલી રહી છે અને સર્વસમાવેશક વૃદ્ધિને ચલાવવામાં ટેક્નોલોજીની ભૂમિકા જેવી થીમ પર પેનલ ચર્ચાઓ થશે. જેમાં દરેક વિષયના નિષ્ણાતો, શિક્ષણવિદો અને નિષ્ણાતોને સામેલ કરવામાં આવશે.
સેમિનાર બાદ શહેરનો પ્રવાસ કરવામાં આવશે. G-20 પ્રતિનિધિઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે. વિશ્વ વેપાર સંગઠનમાં સુધારો એ એક એવો મુદ્દો છે, જે ભારતની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની પ્રાથમિકતાઓમાંની એક છે. 24 મેના રોજ ટેક્નિકલ સેશનમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ચર્ચાઓ દરમિયાન વિશ્વ વેપાર સંગઠનના મૂળભૂત સિદ્ધાંતોની પુષ્ટિ કરવામાં આવશે. મારકેશ કરાર અને તેના બહુપક્ષીય વેપાર કરારોમાં પણ તેનો ઉલ્લેખ છે. ચર્ચા દરમિયાન, WTOની ખુલ્લી, સમાવિષ્ટ અને પારદર્શક કામગીરીની જરૂરિયાત પર પણ ચર્ચા થશે. નોલેજ પાર્ટનર વિષય પર પ્રેઝન્ટેશન પણ આપશે.
TIWG મીટીંગના બીજા અને ત્રીજા દિવસે પેપર ડોક્યુમેન્ટ્સને ડિજીટાઇઝ કરવા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. સરહદ પારના વેપાર માટે બિલ્સ ઓફ લેડીંગ અને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ડિજિટાઇઝ કરવા પર ચર્ચા થશે.