Site icon Revoi.in

ગઢચિરોલીના જંગલઃ 100થી વધારે નક્સલવાદીઓએ પોલીસની ટીમ ઉપર કર્યું હતું અંધાધૂંધ ફાયરિંગ

Social Share

મુંબઈઃ મહારાષ્ટના ગઢચિરોલી જિલ્લામાં મર્દિનટોળા વનમાં શનિવારે સવારે પોલીસની અથડામણ થતી ત્યારે 100થી વધારે નક્સલવાદીઓએ પોતાની પાસેના આધુનિક હથિયારો વડે પોલીસ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ 10 કલાક સુધી અથડામણ ચાલી હતી. જેમાં કુખ્યાત નક્સલી મિલિંદ તેલતુંબડે અને અન્ય 25 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. ગઢચિરોલીના પોલીસ અધિકક્ષ અંકિતા ગોયલે જણાવ્યું હતું કે, પોલીસ સાથેની અથડામણના બે દિવસ પહેલા કોર્ચી તાલુકાના ગ્યારાપટ્ટી વિસ્તારમાં મર્દિનાટોળા જંગલમાં નક્સવાદીઓની એક શિબિરની ગુપ્ત માહિતી મળી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, સી-60 કમાન્ડો અને એસએટી સહિત 300 પોલીસ કર્મચારીઓની ટીમે નક્સલવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું હતું. એસપી સૌમ્યાં મુંડેની આગેવાનીમાં રાતના સમયે જંગલમાં તપાસ કરવામાં આવી હતી. સવારના લગભગ 6 કલાકે 100થી વધારે નક્સલવાદીઓએ સી-60 કમાન્ડો અને એસએટીના જવાનો ઉપર પોતાની પાસેના આધુનિક હથિયારો વડે ગોળીબાર શરૂ કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અથડામણમાં 26 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે ચાર સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આત્મસમર્પણ કરી ચુકેલી નક્સલીઓની મદદથી 16 મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. ઠાર મરાયેલા નક્સલવાદીઓમાં કેટલાક ઉપર ઈનામ પણ જાહેર કરવામાં આવ્યાં હતા. તેમજ માઓવાદીના મુખ્યા મિલિંદ તેલતુંબડે પણ ઠાર મરાયો છે. તેની ઉપર રૂ. 50 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.