ગગનયાન મિશનઃ ઓગસ્ટ મહિનામાં એક ગગનયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલાશે
ભારતના ગગનયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીઓમાંથી એક ગગનયાત્રીને ઓગસ્ટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવશે. ભારતીય સ્પેસ એજન્સી ISRO અને અમેરિકાની સ્પેસ એજન્સી NASA મળીને ઓગસ્ટમાં ભારતની ગગનયાત્રીને ISS પર મોકલશે.
ટીએમસી સાંસદ સૌગતા રોયે સંસદમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં સૌગતા રોયે લોકસભામાં ગગનયાન મિશન વિશે માહિતી માંગી હતી. આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ગગનયાન મિશનના ક્રૂના એક સભ્યને ઈસરો અને નાસા વચ્ચેની સંયુક્ત કવાયતના ભાગરૂપે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવશે. આ મિશનમાં બંને સ્પેસ એજન્સીઓની સાથે એક ખાનગી કંપની Axiom Space પણ સામેલ છે. તાજેતરમાં જ ISRO એ સ્પેસ ફ્લાઇટ માટે Axiom Space સાથે કરાર કર્યો હતો.
ISRO-NASA અને AXIOMનું સંયુક્ત મિશન ઓગસ્ટમાં લોન્ચ થઈ શકે છે. ગગનયાત્રી અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી અવકાશમાં જશે. ફેબ્રુઆરીમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના ચાર ગગનયાત્રી સભ્યોનો જાહેરમાં પરિચય કરાવ્યો હતો. ચારેય ગગનયાત્રી ભારતીય વાયુસેનાના ટોચના પાયલોટ છે, જેમાં ગ્રુપ કેપ્ટન બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. હવે આ ચારમાંથી એક ગગનયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવા માટે પસંદ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, ગગનયાન મિશન હેઠળ અવકાશમાં જઈ રહેલા ચાર અવકાશયાત્રીઓ બેંગ્લોરમાં ઈસરોની અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે અને તેઓએ તાલીમના ત્રણમાંથી બે સેમેસ્ટર પૂર્ણ કર્યા છે. ગગનયાન મિશન આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે.