ગળતેશ્વરઃ મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળ્યાં, તંત્ર દોડતુ થયું
અમદાવાદઃ મધ્ય ગુજરાતના ખેડામાં ગળતેશ્વરમાં મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બંને બાળકો ક્યાં છે અને તેમના કેવી રીતે મૃત્યુ થયા તેને લઈને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વરમાં મહી કેનાલમાં બે બાળકોના મૃતદેહ જોઈને સ્થાનિક ખેડૂતો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે બંને મૃતદેહને બહાર કાઢ્યાં હતા.
પોલીસે બંને મૃતદેહને બહાર કાઢ્યાં બાદ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને બાળકો ક્યાં છે અને તેમના કેવી રીતે મૃત્યુ થયું તેને લઈને પોલીસે તપાસ આરંભી છે. બંને બાળકોના કેનાલમાં ડુબી થવાથી મોત થયાનું ચર્ચાય રહ્યું છે. જો કે, બંને બાળકોની મોડે સુધી ઓળખ થઈ શકી ન હતી. બે બાળકોના મૃત્યુના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ગત ચોમાસામાં સારા વરસાદને પગલે જળાશયોમાં જંગી પાણીની આવક થઈ હતી. હાલ ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે નર્મદા સહિત વિવિધ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે અનેક લોકો નદી-તળાવમાં નહાવા પડતા હતા. જેથી અવાર-નવાર પાણીમાં ડુબી જવાથી મોત થવાની ઘટના સામે આવે છે.