Site icon Revoi.in

નસીબનો ખેલ: અબુધાબીમાં રહેતા ભારતીય મૂળના ડ્રાઇવરને લાગ્યો 40 કરોડનો જેકપોટ

Social Share

દિલ્હી : આમ તો મોટી સંખ્યામાં ભારતીયો કમાવા માટે અન્ય દેશોમાં જતા હોય છે. ભારતીયોની સંખ્યા વધારે પ્રમાણમાં ખાડીના દેશોમાં પણ જોવા મળતી હોય છે. પણ ભારતીય મૂળના એક વ્યક્તિ કે જેઓ અબુધાબીમાં ડ્રાઇવર બનીને કામ કરતા હતા તેમને નસીબ એવો સાથ આપી ગયું કે જીવન ચમકી ગયું.

તો વાત એવી છે કે 37 વર્ષના ભારતીય પુરુષ અને તેના સાથીઓને યુએઇમાં ૪૦ કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે તેમ મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

મીડિયાના અહેવાલ અનુસાર કેરળના રણજીત સોમરાજન અબુધાબીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ટીકિટ ખરીદતો હતો. તે મસ્જિદની સામે ઉભો હતો ત્યારે તેને જેકપોટ જીતવાના સમાચાર મળ્યા હતાં.

આ બાબતે જેકપોટને જીતનાર સોમરાજે વધારે જણાવ્યું કે તેઓએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેઓ જેકપોટ જીતી જશે. તેઓ હંમેશા વિચારતા કે તેઓ બીજુ અથવા ત્રીજુ ઈનામ મળે, જો કે આ વખતે બીજુ ઈનામ 30 લાખ દિરહમ અને ત્રીજુ ઇનામ 10 લાખ દિરહમનું હતું.

સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે તે વર્ષ 2008થી યુએઇમાં છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેણે દુબઇ ટેક્સીમાં અને અન્ય વિવિધ કંપનીઓમાં ડ્રાઇવર તરીકે નોકરી કરી છે. ગયા વર્ષે તેણે એક કંપનીમાં ડ્રાઇવર કમ સેલ્સમેન તરીકે કાર્ય કર્યુ હતું પણ ત્યાં તેનો પગાર કપાઇ જતાં તેના માટે જીવન મુશ્કેલ બની ગયું હતું. સોમરાજન જેકપોટની આ રકમ અન્ય ૯ સાથીઓ સાથે શેર કરશે.

સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે અમે 10 લોકો સાથે રહીએ છીએ. અન્ય સાથીઓ ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા અલગ અલગ દેશોમાંથી આવેલા છે. તેઓ હોટેલના પાર્કિંગમાં કામ કરે છે. અમે જેકપોટની ટિકિટ બાય ટુ ગેટ વન ફ્રી ઓફર હેઠળ ખરીદી હતી. દરેકે 100 દિરહામનો ખર્ચ કર્યો હતો. આ ટિકિટ 29 જૂને મારા નામે ખરીદવામાં આવી હતી. હું મારા સાથીઓને નસીબ અજમાવવાનું ચાલુ રાખવા કહેતો હતો. મને ખાતરી હતી કે એક દિવસ મારુ નસીબ ચમકશે.

જો કે એ વાત પણ સાચી છે કે ઉપરવાલા જબભી દેતા, દેતા છપ્પર ફાડકે.. આટલા રૂપિયા તો કદાચ સોમરાજ ત્યાં રહીને લાંબા સમય સુધી ભેગા ન કરી શકે.