ગોલાઘાટ: આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાનું વહન કરતી એક ટ્રક અને બસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 30 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોલાઘાટ જિલ્લાના દેરગાંવ નજીક બાલીજાન પાસેથી મુસાફરો ભરેલી બસ પસાર થઈ રહી છે. આ બસમાં 45 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતા. દરમિયાન આ બસને અકસ્માત નડ્યો હતો. મુસાફરો ભરેલી બસ સામેથી કોલસો ભરીને આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોથી મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં 14 મુસાફરોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 30 જેટલા વ્યક્તિઓને ઈજા થઈ હતી. બચાવ ટીમે રાહત કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર આર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમજ મૃતકોની ઓખળ મેળવવા માટે કવાયત શરુ કરી હતી. અકસ્માતગ્રસ્ત બસ અપર આસામ તરફ જઈ રહી હતી. કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો. ગોલાઘાટના કામરગાંવથી તિનસુકિયા જિલ્લાના તિલંગા મંદિર તરફ પિકનિક માટે જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. “ફોર-લેન હાઇવેના ક્ષતિગ્રસ્ત ભાગને કારણે ટ્રક ખોટી દિશામાંથી જોરહાટ તરફ આવી રહી હતી, જ્યારે બસ જમણી લેનમાં હતી,” તેમણે કહ્યું. સવારે ધુમ્મસ હતું અને બંને વાહનોની સ્પીડ વધુ હતી.