- પોલીસ સ્ટેશન નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
- પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર માર્ગ ઉપર મોટરકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મોટરકારમાં સવાર 3 યુવાનોના મોત થયાં હતા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
રાહદારી દ્વારા આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા સમી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. માર્ગ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી હતી.