ભોપાલઃ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. મોડી રાત્રે બે વાહનો વચ્ચે અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઘાટબિલ્લાદ પાસે એક જીપ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી.
મળતી માહિતી મુજબ, ઈન્દોર અમદાવાદ રોડ પર બેટમા પાસે આ કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરો ભરેલુ વાહન રોડ પર ઉભેલા ડમ્પરમાં અથડાયું હતું. ઘટના સ્થળે રેતી પથરાયેલી હોવાથી ડમ્પરમાં રેતી ભરેલી હોવાની આશંકા છે. આ અકસ્માતમાં જીપકારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
જ્યારે એક વૃદ્ધ ઘાયલ છે જેનું નામ ભોગોન દલસિંગ હોવાનું જાણવા મળે છે. જીપકારમાં સવાર લોકો બાગ ટાંડાથી ગુના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ઘટના બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકમાંથી એક કમલેશ પાસેથી પોલીસ કાર્ડ પણ મળી આવ્યું છે. જેમાં શિવપુરીમાં પોસ્ટિંગનો ઉલ્લેખ છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરી અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ માર્ગ અકસ્માતની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.