લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકીના હૈદરગઢ વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રોડ કિનારે પાર્ક કરેલી એક ડબલ ડેકર બસ બીજી સ્પીડિંગ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ મુસાફરોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ છે. ઝડપી રાહત અને બચાવ કામગીરી અને ઘાયલોની યોગ્ય સારવાર માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ મૃતકોની આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે.
બિહારના દરભંગાથી દિલ્હી જઈ રહેલી એક ડબલ ડેકર બસ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રોડ કિનારે ઉભેલી બીજી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી. પોલીસે ઘાયલ મુસાફરોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા જ્યાં ડોક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા. ઘાયલોમાં બિહારના સીતામઢી અને મુઝફ્ફરનગરના 12 થી વધુ મુસાફરોનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. બસને ટક્કર મારનાર બસનો ડ્રાઈવર અને ઓપરેટર ફરાર થઈ ગયા હતા. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી, આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડી હતી. આ અકસ્માત બાદ પૂર્વાંચલ એક્સપ્રેસ વેની એક લેન પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ક્રેનની મદદથી ક્રેશ થયેલી બસોને અલગ કરીને ટ્રાફિકને સરળ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.