ભૂજઃ કચ્છના ગાંધીધામના ઉદ્યોગપતિની દીકરી વૃષિકાને પાયલોટ બનાવવા માટે એમપીમાં તાલીમ માટે મોકલવામાં આવી હતી.દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં પાયલોટની તાલીમ આપતું પ્લેન તૂટી પડતા વૃષિકાનું મોત નિપજતા મૃતકના પરિવારમાંમાતમ છવાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક સાંજે ચાર વાગ્યાના અરસામાં થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નીપજતાં માતમ છવાયો હતો. મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી, તે સમયે પ્લેનમાં ટ્રેઈની પાયલટ તરીકે ગાંધીધામની દીકરી વૃષંકા માહેશ્વરી અને ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા. વૃષિકા ગાંધીધામની જાણીતી માહેશ્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્વરીની પુત્રી હતી. બીરસીના એરસ્ટ્રીપ કંટ્રોલરે જણાવ્યું કે છેલ્લે પ્લેનનું છેલ્લું લોકેશન 3.45 કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું. દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ ઘટના અંગે જાણ થતાં મૃતકના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. વૃષંકાના પરિવારનો સંપર્ક કરતાં આઘાત વચ્ચે ટૂંકી વાત કરતાં જણાવ્યું હતું કે, વૃષંકાએ નિયમ મુજબ 100 કલાકનું ફ્લાઈંગ પૂર્ણ કરી દીધું હતું અને તેને પાયલટ તરીકે પ્લેન ઉડાવવા મંજૂરી પણ મળી ગઈ હતી. જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તેની હજી જાણ થઈ નથી. પરંતુ અકસ્માત સમયે પ્લેનનું છેલ્લું લોકેશન 3.45 કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું. દીકરીના મોતથી મહેશ્વરી પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતા જ પરિવાર આઘાતમાં ગરકાવ થયો હતો. મૃતકનો પરિવાર એમપી પહોંચી ગયો છે.