ગાંધીધામના દીન દયાળ બંદરે પવન ઊર્જાથી સંચાલિત જહાજ લાંગરતા બંદરના કર્મચારીઓ જોવા ઉમટી પડ્યા
ગાંધીધામ : વિશ્વમાં પર્યાવરણની જાળવણી અર્થે આવેલી જાગૃતિના ભાગરૂપે દરિયામાં ડીઝલ જેવા ઈંધણથી ચાલતાં જહાજના બદલે પવન ઊર્જાથી ચાલતાં જહાજ બનાવાયા છે. આવું જ એક જહાજ આજે દેશમાં પહેલી જ વખત દીનદયાળ મહાબંદરે લાંગરતાં બંદર કર્મચારીઓ-અધિકારીઓમાં રીતસર ઉત્કંઠા જાગી હતી. ગાંધીધામના દીન દયાળ (કંડલા) બંદરે લાગરેલું પવન ઊર્જાથી સંચાલિત જહાંજને જોવા માટે બંદરના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા.
દેશમાં મોટાભાગના જહાંજ ડિઝલથી ચાલતા હોય છે. ડિઝલના ભાવ આસમાને પહોંચતા દરિયાઈ પરિવહન પણ મોંઘુ બની રહ્યું છે. ત્યારે પવન ઊર્જાથી ચાલતું જહાંજ પ્રથમવાર કંડલાના દીન દયાલ બંદરે આવી પહોંચ્યું હતું. પવન ઊર્જાથી આ વિશિષ્ઠ પ્રકારનું ઈ-શિપ-1 દરિયામાં ચાલતું હોય છે ત્યારે તે પોતાના જહાજમાં લાગેલા ટાવર થકી પવન અંદર શોષે છે. આ પવન જહાજના ટર્બાઈન ચલાવે છે જે વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીથી જહાજના એન્જિન ચાલે છે. આ પ્રકારનું જહાજ પહેલી જ વખત ભારતના દરિયા કિનારે લાંગર્યું છે. મૂળ જર્મનનું આ જહાજ ખાલી હતું અને દીનદયાળ બંદરની 15-એ નંબરની કારગો જેટી ઉપર લાંગર્યું હતું. જહાજના વિન્ડ મિલની 15 બ્લેડ એલએમ વિન્ડ કંપનીએ લોડ કરી છે જે વિયેતનામ જશે. સવારે 10 વાગ્યે આ અનોખું જહાજ દીનદયાળ બંદરે લાંગર્યું હતું અને પ્રશાસનિક અધિકારી-કર્મચારીઓ જહાંજને નિહાળવા ઉમટી પડ્યા હતા. માત્ર જેટી ઉપર તે હોય તે દરમિયાન જ આ જહાજ ડીઝલ કે અન્ય ઈંધણનો ઉપયોગ કરે છે. દરિયામાં તેને કોઈ જ ઈંધણની જરૂર પડતી નથી તેવી વિગતો પ્રશાસનિક વર્તુળોએ આપી હતી.