અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે ડેરી એ વિશ્વ માટે એક વ્યવસાય છે પરંતુ 130 કરોડની વસતિ ધરાવતા ભારત જેવા દેશમાં તે રોજગારનું સાધન છે, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો વિકલ્પ છે, સમસ્યાઓનો ઉકેલ છે.કુપોષણ અને મહિલા સશક્તિકરણ એ સંભવિત ક્ષેત્ર છે.તેમણે કહ્યું કે ભારતની આઝાદી બાદ ડેરી ઉદ્યોગના વિકાસને જોતા આપણા ડેરી સેક્ટરે આ તમામ પાસાઓને દેશના વિકાસ સાથે જોડવા માટે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે.શાહે જણાવ્યું હતું કે આમાં અમારી સહકારી ડેરીનો ફાળો ઘણો મોટો છે, જેણે ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કર્યું છે. સહકારી ડેરીએ દેશની ગરીબ ખેતી કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે કહ્યું કે આઝાદીના 75માં વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનો મંત્ર સાબિત કરવા માટે સહકાર મંત્રાલયની રચના કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય ડેરી એસોસિએશનની સ્થાપના 1948માં સ્વતંત્રતા પછી તરત જ કરવામાં આવી હતી અને IDA એ દેશમાં ડેરી ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે આ કોન્ફરન્સમાં ભારતના ડેરી સેક્ટરને વિશ્વનું સૌથી મજબૂત ડેરી સેક્ટર બનાવવા માટે સર્વાંગી ચર્ચા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આપણા ડેરી અને પશુપાલન ક્ષેત્રનો દેશના જીડીપીમાં 4.5 ટકા ફાળો છે અને કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું યોગદાન 24 ટકા છે, જે 10 લાખ કરોડ રૂપિયા સાથે વિશ્વમાં સૌથી વધુ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે ડેરી એ આપણી અર્થવ્યવસ્થાનો એક મજબૂત ભાગ છે અને રોજગારીની દ્રષ્ટિએ આજે 9 કરોડ ગ્રામીણ પરિવારોના લગભગ 45 કરોડ લોકો, ખાસ કરીને સીમાંત ખેડૂતો અને મહિલાઓ, ડેરી ક્ષેત્ર સાથે સીધા સંકળાયેલા છે.
અમિત શાહે કહ્યું કે આપણા ડેરી ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં વાર્ષિક 6.6 ટકાના દરે પ્રગતિ કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી દ્વારા રચાયેલ સહકાર મંત્રાલય, NDDB અને પશુપાલન વિભાગ દેશની 2 લાખ પંચાયતોમાં ગ્રામીણ ડેરીઓની સ્થાપના કરશે અને પછી ડેરી ક્ષેત્રનો વિકાસ દર 13.80 ટકા સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે અમારી દૂધ પ્રોસેસિંગ ક્ષમતા પ્રતિ દિવસ લગભગ 126 મિલિયન લિટર છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.શાહે જણાવ્યું હતું કે અમે અમારા કુલ દૂધ ઉત્પાદનના 22 ટકા પર પ્રક્રિયા કરીએ છીએ, જેનો ફાયદો ખેડૂતોને આવકમાં વધારો થવાના રૂપમાં થાય છે. તેમણે કહ્યું કે ડેરી ઉત્પાદનોની નિકાસમાં પણ દૂધ પાવડર, માખણ અને ઘી જેવા ઉત્પાદનોનો મોટો હિસ્સો છે અને તેમાં અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે મોદી સરકારે નિકાસ માટે મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરી છે, જેની સાથે આ 2 લાખ ગ્રામીણ ડેરીઓને જોડીને નિકાસમાં 5 ગણો વધારો થવાની સંભાવના છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે વિશ્વના ડેરી પરિદ્રશ્ય પર નજર કરીએ તો, 1970માં, ભારત દરરોજ લગભગ 60 મિલિયન લિટર દૂધનું ઉત્પાદન કરતું હતું અને તે દૂધની અછત ધરાવતો દેશ હતો. તેમણે કહ્યું કે 2022માં આ ઉત્પાદન વધીને 58 કરોડ લિટર પ્રતિ દિવસ થઈ ગયું છે, જેમાં ડેરી સેક્ટરની મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું કે 1970 થી 2022 સુધીમાં ભારતની વસ્તી 4 ગણી વધી છે જ્યારે દૂધનું ઉત્પાદન 10 ગણાથી વધુ વધ્યું છે. તેમણે કહ્યું કે 1970માં દેશમાં માથાદીઠ દૂધનો વપરાશ 107 ગ્રામ હતો, જે આજે વધીને 427 ગ્રામ પ્રતિ વ્યક્તિ થઈ ગયો છે, જે વિશ્વની સરેરાશ 300 ગ્રામ કરતાં વધુ છે.શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર ડેરી ક્ષેત્રના વિકાસ માટે કોઈ તકને વેડફવા દેશે નહીં અને આ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આપણે વિશ્વમાં સૌથી મોટા નિકાસકાર તરીકે ઉભરી શકીએ.
અમિત શાહે કહ્યું કે આજે દેશમાં શ્વેત ક્રાંતિ-2ની જરૂર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરમાં સહકારી મોડલ આવક, પોષણ, પશુધનની ખાતરી, માનવ હિતનું રક્ષણ, રોજગાર અને મહિલા સશક્તિકરણ જેવા તમામ પાસાઓને સ્પર્શતું જે સમગ્ર વ્યવસ્થામાં, ખેડૂત અને ગ્રાહક વચ્ચેના વચેટિયાઓને દૂર કરીને, સૌથી મહત્તમ નફો ખૂડૂતો સુધી પહોંચાડનારું મોડેલ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ડેરી સેક્ટરમાં સહકારી મોડલને મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને 21 ટકા થઈ ગયો છે અને અમૂલ મોડેલે આમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતમાં ડેરી સેક્ટરના 360-ડિગ્રી વિકાસ માટે તમામ પ્રયાસો કરી રહી છે જેથી કરીને દેશ વિશ્વમાં દૂધના સૌથી મોટા નિકાસકાર તરીકે ઉભરી આવે.શાહે જણાવ્યું હતું કે દેશમાં 2 લાખ પ્રાથમિક દૂધ ઉત્પાદન મંડળીઓની રચના થયા બાદ વિશ્વના 33 ટકા દૂધ ઉત્પાદન ભારતમાં થવાની સંભાવના છે અને આ માટે મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સહકારી આંદોલનકારીઓએ સાથે કામ કરવું પડશે. તેમણે કહ્યું કે ભારત દૂધ ઉત્પાદન તેમજ દૂધ પ્રોસેસિંગ સાધનોના ક્ષેત્રમાં વિશ્વનું સૌથી મોટું બજાર બનવું જોઈએ.શાહે જણાવ્યું હતું કે વર્ષ 2033-34 સુધીમાં ભારત દર વર્ષે લગભગ 330 MMT દૂધ ઉત્પાદન સાથે વિશ્વના 33 ટકા દૂધનું ઉત્પાદન કરે તે લક્ષ્ય સાથે આપણે આગળ વધવાનું છે.