અમદાવાદઃ મહિલા અને બાળવિકાસ મંત્રી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પ્રસંગ્રે કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ.
તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ૨૦૧૫થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમાજના લોકોમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટકોણ બદલાય, દીકરીઓના જન્મનો સહર્ષ સ્વીકાર થાય અને સમાજના લોકોના સંકુચિત માનસ પટ્ટમાં બદલાવ લાવી દીકરા દીકરી એક સમાનનો નવો દૃષ્ટિકોણ આવે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કાર્યાન્વિત છે.
તેમણે કહ્યું કે,રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં વ્હાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. દીકરીઓની સંખ્યામાં સતત નોંધપાત્ર ઘટાડો સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ દીકરીઓ લક્ષી યોજનાઓ/કાયદાઓ અમલીકૃત કરવામાં આવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે દીકરીઓ પોતાના હક્કો/ અધિકારો પ્રત્યે જાગૃત થાય, દીકરીઓ સાથેના જાતિગત ભેદભાવો અટકે, લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ અટકે, શિક્ષણનું પ્રમાણ વધે તેમજ દીકરીઓનું આરોગ્ય-પોષણસ્તરમાં સુધારો લાવવા માટે વર્ષ 2008થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિતે જુદા જુદા જાગૃતિના કાર્યકમો દરેક રાજયોના જિલ્લાઓ ખાતે આયોજિત કરવામાં આવે છે.
મંત્રીએ કહ્યું કે, આજના “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ભારત સરકાર દ્વારા નિયત થયેલ “કિશોરી કુશળ બનો” થીમ આધારિત આજે તા.11 અને તા. 12 ઓક્ટોબર 2022ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત 22 જિલ્લાઓમાં સખી મેળાઓ તેમજ નર્મદા તથા દાહોદ જિલ્લાના 14 તાલુકાઓ ખાતે યુનિસેફના સહયોગથી “સેફ સ્પેસ અને એડોલેસન્ટ રિસોર્સ સેન્ટર” શરૂ કરાયા છે. જેનો લાભ સમુદાયોની કિશોરીઓ લેતી થાય તે માટે સૌને સાથે મળી પ્રયત્નો કરવા અનૂરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે,કિશોરી કુશળ બનો થીમ આધારિત સખી મેળાઓના માધ્યમ દ્વારા કિશોરીઓને તેઓના હક્કો/અધિકારો પ્રત્યે જાગૃતતા કેળવાય, તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રોજગારલક્ષી કેન્દ્રો સાથે જોડાણ તથા તેમનું કેરિયર કાન્સેલિંગ થાય, કિશોરીઓ આત્મ નિર્ભર બની ઉજ્જવળ ભારતનું નિર્માણ કરવા તથા દીકરીઓની સમાજના, દેશના વિકાસમાં લોકભાગીદારી વધે તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે
આપણી દીકરીઓ આત્મ સન્માન સાથે જીવન જીવી શકે તે માટે તેઓના જન્મ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સલામતી અને સુરક્ષા તે આપણાં સૌની જવાબદારી છે. બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ આપણી દીકરીઓને ઉડવા માટે એક વિશાળ આકાશ આપી તેઓને સર્વાંગી વિકાસની તકો પ્રદાન કરવા મંત્રીએ જણાવ્યું હતું.