ગાંધીનગર કોર્પોરેશની વેબસાઈટ હેક, તુર્કી હેકર્સે લખ્યું, ‘મિત્ર બનો, દુશ્મન નહીં’
અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા સાઈબર ક્રાઈમના ગુનાને અંજામ આપનારાઓ પણ સક્રીય થયાં છે. દરમિયાન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની વેબસાઈટ હેક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તુર્કી સાયબર આર્મીએ વેબસાઈટ હેક કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં લખવામાં આવ્યું છે કે, ‘હેલ્લો એડમિન, સિસ્ટમ હેક’.
ગાંધીનગરમ્યુનિસિપલ ડોટ કોમ નામની વેબસાઈટ હેક કરીને તુર્કી હેકરોએ સંદેશ મુક્યો છે કે, અમારા મિત્ર બનો, દુશ્મન ન બનો. ‘જુલમ સાથે આબાદ છે તે સફળ થશે.’ વધુ એક સંદેશમાં લખ્યું છે કે,” જે લોકો આ વિશ્વને નરક બનાવે છે, એટલે અમે આ વિશ્વને સંકુચીત બનાવી શકીએ છીએ”. આ સાયબર હેકર ગૃપ દ્વારા પહેલા પણ દેશમાં ઘણી વેબસાઈટો તથા સોશ્યિલ એકાઉંટ હેક થયા છે. ગુજરાતમાં તુર્કી સાયબર આર્મી દ્વારા પ્રાથમિક જાણકારીમાં પ્રથમ વાર વેબસાઈટ હેક થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગર પાલિકામાં ગત મહિને જ તમામ 44 બેઠકો પર ચુંટણી યોજવામાં આવી હતી જેમાં આ વખતે ભાજપે જીત હાંસીલ કરી હતી.
વેબસાઈટ હેકની જાણકારી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સાયબર ક્રાઈમબ્રાન્ચ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.