અમદાવાદઃ ગુજરાતના ગાંધીનગરમાં આગામી તા. 10મી માર્ચથી સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન સહિતના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન સમક્ષણ મંત્રાલય દ્વારા હાલના સમયમાં સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપોને પાછો ઠેલવાનો નિર્ણય લેવાયો છે અને આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
ગાંધીનગરમાં માર્ચ 10થી 14 દરમિયાન સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો-2022 પાછો ઠેલવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલી વાર સંરક્ષણ સબંધિત આવો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ હાલ તે રદ કરાયો છે. નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ.ભરત ભુષણ બાબુએ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી હતી. અઠવાડિયા પછી જ યોજાનાર એક્સપો માટે ઘણી ખરી તૈયારી કરી લેવાઈ હતી. અનેક દેશની સંખ્યાબંધ કંપનીઓ અને એજન્સીઓ તેમાં ભાગ લેવાની હતી. પરંતુ અચાનક આ કાર્યક્રમ રદ કરાતા ખળભળાટ મચ્યો છે. એક્સપો માટે 60થી વધારે દેશોને આમંત્રિત કરાયા હતા. એક અંદાજ મુજબ સમગ્ર કાર્યક્રમમાં 1500થી વધારે ડિલેગેટ્સ આવવાના હતા. વિવિધ દેશો સાથે રશિયા અને યુક્રેનને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું હતું. પરંતુ એ બન્ને દેશો અંદરોઅંદર બાખડી રહ્યા હોવાથી આવવા અંગે અનિશ્ચિતતા હતી. હવે તો જોકે કાર્યક્રમ જ પાછો ઠેલાયો છે.
થોડા દિવસ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા સૈન્ય વડા જનરલ એમ.એમ. નરવણેએ એક્સપોની તૈયારીની સમીક્ષા કરી હતી. તો વળી રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રી અજય ભટે પણ ગાંધીનગરની મુલાકાત લઈને તૈયારીઓ નિહાળી હતી.