અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે એ માટે મક્કમ નિર્ધાર કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજ્યમાં કોઇપણ ગરીબ નાગરિક ભૂખ્યુ ન સૂવે એ માટે વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાય છે. તેમ અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતું.
વિધાનસભા ખાતે ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ વિતરણના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તો ભિક્ષુક પણ ભૂખ્યો ન સૂવે એની ચિંતા કરીને જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. ગાંધીનગર જિલ્લામાં આ યોજના હેઠળ 35291 મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરાયું છે. કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન પણ ઘણા લાંબા સમય સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે. આ યોજના હેઠળ એ.એ.વાય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને 3.5 કિ.ગ્રા ઘઉ અને 1.5 કિલો ચોખાનું વિતરણ કરાયું છે.
તેમણે ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અન્ન બ્રહ્મ યોજના અમલી કરી હતી અને એ યોજના હેઠળ રેશનકાર્ડ ન હોય કે પછી કોઇપણ આધાર પુરાવા ન હોય તો પણ વિનામૂલ્યે અનાજ આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ તબક્કાના લોકોને અનાજ વિતરણ વિનામૂલ્યે કરાય છે. દિવ્યાંગ-એકલવાયા નાગરિકને વિનામૂલ્યે અનાજ મળે એ માટે નજીકના સંબંધી કે પાડોશીનું 7 નંબરનું ફોર્મ ભરી વાલી તરીકેની ઓળખ બાદ તે વ્યક્તિને મળવા પાત્ર અનાજ જથ્થાનું વિતરણ કરાય છે.
(PHOTO-FILE)