અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાખારોને નાથવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ નજીક ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાના રેકેટનો એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 10 લોકોની અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગાંધીનગર ઉપરાંત રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવતી બે ફેકટરીઓ ઝડપી પાડી હતી. આમ ગુજરાત અને રાજસ્થાનમાંથી 3 ફેકટરીઓ ઝડપી લેવામાં આવી હતી. એટીએસ અને એનસીબીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં બે અલગ-અલગ સ્થળો તથા ગાંધીનગર નજીક એક ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યાં હતા. ગાંધીનગર નજીક ડ્રગ્સ ફેકટરીમાંથી 20 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. દરોડાને પગલે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે એનસીબી અને એટીએસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત દસેક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તેમની પણ આગવી ઢબે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ફેકટરી કેટલા સમયથી ધમધમતી હતી અને રો મટેરિયલ ક્યાંથી લાવતા હતા. તેમજ ડ્રગ્સ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
(PHOTO-FILE)