અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીની બીજી લહેરના કારણે રદ કરવામાં આવી હતી. હાલ અહીં વહીવટદાર ગાંધીનગર શહેરમાં સંચાલન કરી રહ્યાં છે. જો કે, હવે ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક અંદાજ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી યોજવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, ચૂંટણીપંચ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ કોર્પોરેશનની ચૂંટણીને લઈને અંતિમ નિર્ણય કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી.તેમજ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પણ પસંદગી કરીને ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યાં હતા. જો કે, કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી હાલ પૂરતી મોકુફ રાખવા માટે ચૂંટણીપંચ સમક્ષ જે તે સમયે રજૂઆત કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા રજૂઆત કરી હતી. અંતે ચૂંટમી મોકુફ રાખવામાં આવી હતી. જો કે, હવે કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જેથી આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગાંધીનગર માં 78 ટકા જેટલુ કોરોના વેક્સિનેશન થયું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. મનપાની ચૂંટણી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે બે મહિના બાદ સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ તેવી અટકળો વહેતી થઈ છે.