અમદાવાદઃ ગાંધીનગરમાં નકલી ડિગ્રી સર્ટિફિકેટ રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને એક મહિલા સહિતની અટકાયત કરવામાં આવી હતી. એજ્યુકેશન કન્સલ્ટન્સીના ઓથાર હેઠળ સમર્ગ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસને દરોડા દરમિયાન મોટી માત્રામાં નકલી સર્ટિફિકેટ મળી આવ્યાં હતા. વિવિધ યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ જોઈને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે સમગ્ર રેકેટમાં ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં પોલીસ પેટ્રોલીંગ કરતી હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સેક્ટર-22માં આવેલા એક કોમ્પલેક્ષમાં ધમધમતા એજ્યુકેશન કન્સલ્ટન્સીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સંચાલિકા વંદના બરૂઆને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે કન્સલ્ટન્સીમાં તપાસ હાથ ધરતા ઢગલા બંધ અલગ અલગ યૂનિવર્સિટીનાં નકલી ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
પોલીસ પૂછપુરછમાં વંદનાએ કબુલાત કરી હતી કે, વર્ષ-2014માં સુમન ટાવરમાં કન્સલ્ટન્સી ખોલી હતી. આ દરમિયાન અન્ય રાજ્યોની એજ્યુકેશન સંસ્થાઓના ડાયરેક્ટરોના સંપર્કમાં આવી હતી. દરમિયાન એક એજ્યુકેશન સંસ્થાનાં ડાયરેક્ટર તન્મય દેવરોયએ (રહે. અગરતલા) કહેલું કે ભારતની અમુક યૂનિવર્સિટીમાં સીધા સંપર્ક છે. ધોરણ-10, 12 અને ધોરણ-12 પાસ કર્યા પછી સ્નાતકનો અભ્યાસ ચૂકી ગયેલા કોઇપણ વ્યક્તિને ડિગ્રીનાં ડીમડેટનાં સર્ટીઓ પરીક્ષા આપ્યા વિના પૈસાથી મળી રહેશે. જેથી વંદનાએ સેક્ટર-22 કોમ્પ્યુટર ક્લાસના સંચાલક વિપુલ અમરતભાઈ પટેલને વાત કરી હતી. જેથી વિપુલ જરૂરિયાતમંદ ગ્રાહકો લઈ આવતો હતો અને વંદના ડિમાન્ડ મુજબ વિવિધ ડિગ્રી સર્ટિફિકેટ મંગાવી આપી વેચતી હતી. જે પેટે 40-50 હજાર તેઓ લેતા હતા અને સરખા ભાગે વહેંચી લેતા હતા. આથી કોમ્પ્યુટર ક્લાસમાં પણ રેડ કરીને વધુ નકલી સર્ટી જપ્ત કરાયા હતા.
આ બંને જગ્યાએથી પોલીસને કેટલીક યૂનિવર્સિટીના વિવિધ નકલી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી વંદના બરુઆ અને વિપુલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વંદના નકલી ડિગ્રી સર્ટિફિકેટનો કારોબાર વર્ષ – 2014થી ચલાવતી હતી. નકલી ડિગ્રી લેનારમાં ઘણા એવા પણ છે, જે વંદના પાસેથી ડિગ્રી સર્ટી લઈને તેના આધારે વિદેશ પણ પહોંચી ગયા છે. જેનાં પગલે પોલીસ દ્વારા વંદનાનાં રિમાન્ડ મેળવીને નકલી ડિગ્રી ખરીદનાર લોકોની પણ માહિતી એકત્ર કરવામાં આવનાર છે અને તેમના વિરુદ્ધ પણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.