Site icon Revoi.in

ગાંધીનગરઃ જિલ્લા પંચાયતની કચેરીમાં આગ, અનેક મહત્વના દસ્તાવેજ બળીને રાખ

Social Share

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં જિલ્લા પંચાયતની ઓફિસના પ્રથમ માળે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં અનેક મહત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીના પ્રથમ માળે આજે સવારના સમયે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

જિલ્લા પંચાયત કચેરીના પ્રથમ માળે મહત્વના દસ્તાવેજો રાખવામાં આવ્યાં હતા. આગની આ ઘટનામાં કેટલાક મહત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. તેમજ આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ આરંભી હતી.