અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ગાંધીનગરના કલોલ હાઈવે પર અંબિકાનગર પાસે મુસાફરો બસની રાહ જોઈને ઉભા હતા. તે દરમિયાન એસટી બસ આવી હતી અને તેની પાછળ પૂરઝડપે ખાનગી ટ્રાવેલ્સની બસ આવતી હતી. આ બસ એસટી બસ સાથે ઘડાકા ભેર અથડાઈ હતી. જેથી એસટીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં બસની રાહ જોતા કેટલાક મુસાફરોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કલોકના અંબિકાનગર પાસે બસ સ્ટેન્ડ ઉપર કેટલાક મુસાફરો બસની રાહ જોતા હતા. તે સમયે એસટી બસને પાછળથી આવતી ખાનગી બસે ટક્કર મારી હતી, જેના પરિણામે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસની રાહ જોઈને ઉભેલા કેટલાક મુસાફરોને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે ઘટના સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના મૃત્યું થયાં હતા. બસે મુસાફરોને કચડી નાખતા ઘટના સ્થળ પર તેમની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. અકસ્માતની આ ઘટનામાં બંને બસમાં પ્રવાસ કરતા કોઈ મુસાફરને ગંભીરા ઈજા થઈ ન હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.