Site icon Revoi.in

ગાંધીનગર: કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આઈસ ફેક્ટરીઓ બંધ કરાવાઈ

Social Share

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લામાં દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા – શિહોલી મોટી, ઉપરાંત રામદેવપુરાવાસ કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ જોવા મળ્યા. કેસ મળતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા. તેમણે આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતાં. ગાંધીનગર જિલ્લા કલેકટરે હૉસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને દર્દીઓના ખબર અંતર પૂછી તેમના પરિવાર પાસેથી સારવાર અંગેની સુવિધાની જાત માહિતી મેળવી હતી અને દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલની સુવિધા – સારવારથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

જેના પગલે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલોલ ખાતે 1 અને દહેગામમાં 2 આઈસ ફેક્ટરીઓ તાત્કાલિક અસરથી બંધ કરાવાઈ છે. કોલેરાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફેલાતો અટકાવવા ગઈકાલથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે રહી લોકોને શુદ્ધ પાણી અથવા જરૂર પડ્યે ઉકાળેલા પાણીનો ઉપયોગ કરી કોલેરાથી બચવા માહિતગાર કરી રહ્યા છે.