Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન કોંગ્રેસમુક્ત બની, બે કોર્પોરેટરએ રાજીનામાં આપ્યા, હવે ભાજપમાં જોડાશે

Social Share

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લીધે ભાજપ દ્વારા ભરતી મેળાઓ યોજીને કોંગ્રેસને કાર્યકરો અને નેતાઓને ભાજપમાં વાજતે-ગાજતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને એ હદે પક્ષપલટો થઈ રહ્યો છે. કે, વિરોધ પક્ષનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જરૂરી છે. પરંતુ ભાજપ પાસે બહુમતી હોવા છતાંયે કોંગ્રસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટરો છે. જ્યારે બાકીના તમામ કોર્પોરેટરો ભાજપના છે. એટલે કે ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. હવે કોંગ્રેસના બે કોર્પોરેટરે પણ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે, અને બન્ને કોર્પોરેટરો આજે ભાજપમાં વિધિવત જોડાશે. એટલે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન કોંગ્રેસમુક્ત બની છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનનના  કોંગ્રેસના બે કોર્પોરેટરોએ આખરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અને આજે  બંને કોર્પોરેટરો વિધિવત્ રીતે  ભાજપમાં જોડાશે.  કોંગ્રેસના બન્ને  કોર્પોરેટરો  અત્યાર સુધી ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારના નારા લગાવતા હતા. મ્યુનિના ગેરવહિવટ સામે અવાજ ઉઠાવવામાં આવતો હતો. હવે બન્ને કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અને આજે ભાજપમાં જોડાશે.

લોકસભા ચૂંટણી પહેલાંથી શરૂ થયેલા ભાજપના ભરતી મેળાઓથી  કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઇ રહ્યુ છે. ગાંધીનગરમાં કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન કોંગ્રેસમુક્ત બની છે. ગાંધીનગર મ્યુનિ,માં  કુલ 44 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે બે બેઠકો હતી. પરંતુ કોંગ્રેસના બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં મ્યુનિ.કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત થઈ છે. પક્ષ પલટો કરી રહેલા અંકિત બારોટે કહ્યું હતું કે, વોર્ડનાં વિકાસનાં કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા શુક્રવારે ભાજપમાં જોડાશે. આ બંન્ને કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરોને આવકારવા ગાંધીનગરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. બન્ને કોર્પોરેટરોને મ્યુનિ.માં મહત્વની કમિટીમાં સ્થાન આપવાની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે.