Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સરેરાશ 54 ટકા મતદાન, મંગળવારે પરિણામ

Social Share

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીનું આજે શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ હતી. ચૂંટણીમાં સરેરાશ 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 63 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે.  ઓછું મતદાન ક્યા રાજકીય પક્ષને ફળશે. તે તો મંગળવારે ચૂંટણી પરિણામના દિવસે જ ખબર પડી જશે. જો કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીતની આશા વ્યક્ત કરી હતી.

 ગાંધીનગર મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીમાં અનેક સ્થળે સામાન્ય બબાલ થવાની ઘટનાઓ બની હતી.. કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશીઓ ઉછળી હતી. વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા જોવા મળી છે.

મનપાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 61.76 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-5માં 35.86 ટકા અત્યારસુધી નોંધાયું હતું. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં 44 ભાજપ, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ

સેક્ટર 24માં ભાજપના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ ખેસ ઉતાર્યો હતો. સેક્ટર-15 વોર્ડ-6માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષે કરાયો હતો.  અને પોલીસે પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22 નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો હતો

સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સેકટર – 2 પ્રાથમિક શાળામાં સવારથી મતદારો ગોથે ચડયા હતા. કેમકે બુથ નો નંબર અલગ અને વર્ગ ખંડની બહાર અલગ નંબર હોવાના કારણે અસમંજસ સર્જાઈ હતી. જેનાં પગલે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્ય પણ આવી પહોંચ્યા હતા. પોલીંગ બુથ એજન્ટ પણ ગોથે ચડયા હતા.

સરકારી નગરી તરીકે જાણીતું ગાંધીનગરમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ રવિવારની રજા હોવાથી વહેલી સવારે આરામ કરવાના મૂડમાં હોય છે. જેથી અત્યારે સવારે સાત વાગે મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી જોવા મળી રહી છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મતદાન કેન્દ્રો પર મતદારો ની સંખ્યા વધતી ગઈ હતી. મતદાન કેન્દ્રો પર મેડીકલને  ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી.

કોરોનાની વૈશ્વિક મહામારી પછી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાયો છે. ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 284 બૂથ પર 281897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને ઉમેદવારોનું ભાવિ  ઈવીએમમાં સીલ થઈ ગયું હતું.