ગાંધીનગરઃ શહેરમેં કોરોનાના સંક્રમણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 18મીએ યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવામાં આવતા વર્તમાન બોડીના તમામ નગરસેવકોને ચૂંટણીની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે.
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી આગામી તા. 18 એપ્રિલે યોજાનારી હતી પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અનિશ્ચિતકાળ સુધી ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરિણામે ચૂંટાયેલી પાંખ ફરી જીવંત બની છે. આ વર્તમાન પાંખની મુદત 5મી મે પૂર્ણ થતી હોવાથી આ તમામ પદાધિકારીઓ 5 મે સુધી સત્તા પર આવ્યા છે. જે ગાંધીનગર જ નહીં પરંતુ ગુજરાત માટે પણ ઐતિહાસિક ઘટના છે.
ગત તારીખ 19 માર્ચના રોજ મહાનગરપાલિકા ગાંધીનગરની ચૂંટણી જાહેર થઇ હતી પૂર્વ મેયર પોતાની ગ્રાન્ટમાંથી ધડાધડ કામો સૂચવવા દોડધામ કરી હતી જેમાં દશ હજાર ડસટબિન,25 હજાર જેટલી ખુરશી ફાળવવા પોતાના લેટરહેડ પર માંગણી કરી હતી પરંતુ સાંજે ચૂંટણી જાહેર થઇ જવાને પગલે આચારસહિતા લાગુ થતા કામો અટકી પડ્યા હતા.
ગાંધીનગર વિસ્તારમાં આચારસંહિતા હટી જવાના કારણે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોને વીસ દિવસ સુધી શાસન કરવાનો મોકો મળ્યો છે. આગામી તારીખ 5 મેએ મ્યનિ. કોર્પોરેશનની મુદત પૂરી થઈ રહી છે. ત્યાં સુધી હાલના સત્તાધીશો કોર્પોરેશનમાં ફરીવાર સત્તાની ધૂરા સંભાળશે અને ત્યારબાદ ચૂંટણીની જાહેરાત થાય તેવા કોઈ હાલે એંધાણ દેખાતા નથી માટે ત્યારબાદ જ કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે .હાલ તો કોરોના ના કપરા કાળમાં ગાંધીનગર કોર્પોરેશન સત્તાધીશોને ફળયો છે તેમ લાગી રહ્યું છે.
વર્તમાન બોડી 5 મી મે સુધી ચાલુ રહેશે, અને ત્યારબાદ જ વહીવટદારની નિમણૂક કરવામાં આવશે એવી સ્પષ્ટતા રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવતા પદાધિકારીઓ ગેલમાં આવી ગયા છે.