ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરીનું સરનામું બદલાયું, પદાધિકારીઓને અદ્યતન સુવિધા મળશે
ગાંધીનગરઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી નવી ઈમારત ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. મ્યુનિના વહીવટી પાંખ દ્વારા નવરાત્રિના શુભ મુહૂર્તમાં વિધિવત રીતે મ્યુનિ.કોર્પોરેશનની નવી કચેરીમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. મ્યુનિ.ની મુખ્ય કચેરી હવેથી સેક્ટર 17 ખાતે ફાયર સ્ટેશનની પાછળ જિલ્લા પંચાયતની બાજુમાં કાર્યરત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ જ મ્યુનિસિપલ કમિશનર તરીકે ડો. ધવલ પટેલ દ્વારા કાર્યભાર નવા બિલ્ડિંગમાં જઈને સંભાળી લેવામાં આવ્યો હતો. ત્યારે બાદ દશેરાના દિને ચૂંટાયેલી પાંખનાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને પણ નવી કચેરીમાં પ્રવેશ કર્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યાં બાદ છેલ્લા 12 વર્ષથી એમ એસ બિલ્ડીંગમાં કાર્યરત કોર્પોરેશન કચેરીનું દશેરાના દિવસે સેક્ટર – 17 ના નવા બિલ્ડીંગમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. દશેરાના દિનથી સમગ્ર કોર્પોરેશન તંત્રને વિધિવત રીતે સેકટર – 17 ફાયર બ્રિગેડ કચેરી પાછળ નવી બનેલી અદ્યતન બિલ્ડીંગમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. દશેરાના દિને શુભ મુહૂર્તમાં મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન જસવંત પટેલે પોતાની અદ્યતન ઓફિસમાં સ્થાન ગ્રહણ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ગયેલી નવી બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવતું નહતું. આખરે મ્યુનિસિપલ કમિશનર ડો. ધવલ પટેલ છઠ્ઠા નોરતે જ એકલા નવી બિલ્ડીંગમાં પ્રવેશ્યા હતા. જેનાં કારણે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલનો અભાવ હોવાનો ગણગણાટ પણ કોર્પોરેશનમાં શરૂ થયો હતો.
મ્યુનિસિપલ કમિશનર વિધિવત રીતે નવી બિલ્ડિંગમાં કાર્યભાર સંભાળી લેતા બે નાયબ મ્યુનિસિપલ કમિશનર પણ પાછળ પાછળ નવી બિલ્ડીંગમાં સ્થળાંતરીત થયા હતા. જેના ભાગરૂપે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન સહિત તમામ બ્રાંચ નવી બિલ્ડીંગમાં શિફ્ટ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એમ એસ બિલ્ડીંગમાં શરૂઆતથી જ પાર્કિંગની સમસ્યા હતી. તેમ છતાં નવા બિલ્ડીંગમાં પાર્કિંગની યોગ્ય સુવિધા નથી. એક તરફ કોર્પોરેશન શહેરમાં પાર્કિંગ પોલિસી લાગુ કરવા સર્વે કરાવી રહી છે. ત્યારે ખુદ કોર્પોરેશનના નવા બિલ્ડીંગમાં પાર્કિંગ પોલીસીનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યું છે. અહીં જિલ્લા પંચાયત કચેરી અડીને આવેલી છે. જ્યારે રોજ હજારો મુલાકાતીઓ આવતાં રહેતા હોય છે. હાલમાં પણ લોકો રોડ ઉપર વાહનો પાર્ક કરી દેતા નજરે ચઢે છે.