ગાંધીનગર: પાટનગર ગણાતા ગાંધીનગરમાં ખૂલ્લી જગ્યાઓ પર પશુપાલકોએ દબાણો કરીને ઢોરવાડા બનાવી દીધા હતા. ઘણા ઢોરવાડા પર કાચા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા. આખરે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર ઢોરવાડા હટાવવાની છેલ્લા 13 દિવસથી ઝુંબેશ આદરવામાં આવી હતી. જેમાં 79 ઢોરવાડા હટાવીને 1.04 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા ખાલી કરવામાં આવી છે. જેની બજાર કિંમત અબજો રૂપિયા થવા જાય છે. મ્યુનિ,દ્વારા આગામી દિવસમાં પણ ઢોરવાડા હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
જીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે અને જે અંતર્ગત શહેરમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવતા પશુઓને જપ્ત કરવાની સાથે તેના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે. એટલું જ નહીં જે પશુ માલિકો પશુ રાખવા માગતા હોય તેમણે મ્યુનિ. કોર્પોરેશન પાસેથી નિયત સમય મર્યાદામાં લાયસન્સ પણ મેળવવાનું રહેશે ત્યારે ગાંધીનગરમાં વર્ષોથી સરકારની ખુલ્લી જગ્યામાં મસ મોટા ઢોરવાડા ઉભા થઈ ગયા હતા અને આ પશુઓ શહેરના માર્ગો ઉપર રખડતા જોવા મળતા હતા. જેના પગલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા થઈ ગયેલા ઢોરવાડા હટાવવા માટે 13 દિવસની ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર શહેરના સેક્ટર-2થી લઈને સેકટર 30 સુધી તેમજ કુડાસણ અને વાસણા હડમતીયા વિસ્તારમાંથી 79 જેટલા ગેરકાયદેસર ઢોરવાડા હટાવી દેવામાં આવ્યા છે. અને 829 જેટલા પશુઓ સાથે ગેરકાયદેસર રીતે રહેતા પરિવારોને ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન સરકારની અબજો રૂપિયાની કિંમતી જમીન એવી 1.04 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે હવે આગામી દિવસમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા અને જૂના વિસ્તારમાં બાકી રહેલા ઢોરવાડાઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.