Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને કૂતરાના ખસીકરણ માટે 4 વર્ષમાં અઢી કરોડ ખર્ચા છતાં વસતીમાં વધારો

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વસતિ વધારા સાથે શહેરના વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેર આજુબાજુના અનેક ગામડાંઓ પણ શહેર સાથે મર્જ કરાયા છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી માટે કામો કરવામાં આવે છે. ત્યારે શહેરમાં છેલ્લા મહિનાઓથી રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા છ મહિનામાં એક પછી અલગ-અલગ વિસ્તારોમાં કૂતરાના કરડવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે  છેલ્લા ચાર વર્ષમાં જ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતાં કૂતરાઆના ખસીકરણ અને રસીકરણ માટે અઢી કરોડથી વધુનો ખર્ચ કર્યો છે, છતાં સ્થિતિ જેમની તેમ જ હોય તેવું લાગી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં અંદાજે 44,972 જેટલા રખડતાં કૂતરા છે, જેમાંથી 2021-22 સુધીમાં 18390 કૂતરાઓનું ખસીકરણ તથા હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વધુ 6481 કૂતરાઓનું ખસીકરણ-રસીકરણ કરાયું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ જે રીતે શહેરમાં રખડતા કૂતરાની સંખ્યાએ માઝા મૂકી છે એ જોતાં મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતાં ખર્ચ સામે અનેક સવાલો ઉભા થયા છે. સેક્ટર-2, સેક્ટર-28, સેક્ટર-7 સહિતના વિસ્તારોમાં તાજેતરમાં નાના બાળકોને કૂતરાઓ કરડવાના બનાવા બન્યા હતા. જેને પગલે નાગરિકો નાના બાળકોને ઘર બહાર રમતા મુકવામાં પણ ડરી રહ્યાં છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર શહેરના અનેક વિસ્તારમાં રખડાત કૂતરાઓ વાહનો પાછળ દોડતાં નજરે પડે છે. જેમાં ટુ વ્હીલર જેવા વાહનો સ્પીલ થઈ જવાના બનાવો પણ બને છે. જેમાં કૂતરાઓ પાછળ પડતાં ચાલકો સ્પીડમાં વાહનો ભગાવે છે. જેને પગલે ગંભીર અકસ્માતનો ભય રહેવાની સાથે રસ્તામાં આવતા રાહદારીઓને વાહન સાથે અથડાવાનો ભય રહે છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ માટે નાણાકીય વર્ષ 2019-20માં 77.96 લાખ, વર્ષ 2020-21માં 36.81 લાખ, વર્ષ 2021-22માં 55.03 લાખ જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 2022-23-80 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. જ્યારે આગામી નાણાકીય વર્ષ 2023-24માં તંત્ર દ્વારા આ કામગીરી માટે દોઢ કરોડની જોગવાઈ કરાઈ છે. આગામી સમયમાં  કૂતરાઓના ત્રાસ ઘટી જશે એવી હૈયાધારણ જીએમસીના અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે. ગાંધીનગરમાં સેક્ટર-1, સેક્ટર-19, સેક્ટર-8 સહિતના વીઆઈપી વિસ્તારોમાં સામાન્ય રીતે રખડતા કૂતરાઓના ત્રાસ નહીંવત જોવા મળે છે. કારણ કે આ વિસ્તારોમાં જો રાત્રે રખડતા કૂતરાઓ ભસવાનો પણ અવાજ આવે તો અડધી રાત્રે અધિકારીઓના ફોન રણકવાના શરૂ થઈ જાય છે. જેને પગલે આવા વિસ્તારોમાં કોઈ તકલીફ પડતી નથી.