ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની વેરા વસુલાત ઝૂંબેશ, 29 મિલકતોને સીલ, 46.19 કરોડની વસુલાત
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરના અનેક મિલ્કતધારકો મ્યુનિ,કોર્પોરેશનનો વેરો ભરવામાં આળસ દાખવતા હોય છે. જેમાં દર વર્ષે મિલ્કતવેરો અને તેના વ્યાજને લઈને બાકી લહેણું વધતું જાય છે, મ્યુનિ,ના સત્તાધિશો દ્વારા અગાઉ નોટિસો મોકલ્યા છતાં પણ બાકી વેરાના મિલ્કતધારકો દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવતા બાકીદારો હવે વેરો ભરવા માટે આવી રહ્યા છે. મ્યુનિના સત્તાધિશોએ 29 મિલ્કતોને સીલ મારી દીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરો નહીં ભરનારા એકમો સામે લાલ આંખ કરતાં નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં જ રેકોર્ડ બ્રેક વસૂલાત થઈ છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં 46.19 કરોડનો મિલકત વેરો વસૂલ કરવામાં આવ્યો છે, જે મનપાની સ્થાપના બાદ સૌથી વધુ છે. વસૂલાત ઝુંબેશને સઘન બનાવતા મનપા તંત્ર દ્વારા 29 એકમોને સીલ પણ મારવામાં આવ્યા છે. છેલ્લા 11 મહિનામાં કુલ 46.19 કરોડનો મિલકત વેરો વસૂલ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મનપામાં મિલકતવેરાની વાર્ષિક આવક 30 કરોડ આસપાસ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે નવા વિસ્તારોના સમાવેશ તથા મનપા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશના પગલે રેકોર્ડ બ્રેક આવક થઈ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે 1532 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. વારંવારની નોટિસ છતાં ટેક્સ ભરવામાં બેદરકારી રાખનારા એકમો સામે આખરે સીલિંગની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેના કારણે જાન્યુઆરી મહિનામાં 2.34 કરોડનો વેરો ભરાયો હતો. જ્યારે ફેબ્રુઆરીના 15 દિવસ દરમિયાન રૂ. 3.61 કરોડનો વેરો વસૂલ થયો હતો. આમ, તંત્રની કડકાઈના કારણે માત્ર દોઢ મહિનામાં રૂ.5.95 કરોડનો વેરો ભરાયો હતો. વેરો નહીં ભરનારા 29 કોમર્શિયલ એકમોને અત્યાર સુધીમાં સીલ કરવામાં આવ્યા છે. સીલ કરાયેલા એકમમાં જીઆઈડીસીની ફેક્ટરી, દુકાનો સહિતના કમર્શિયલ યુનિટનો સમાવેશ થાય છે. મનપાના નોર્થ ઝોનમાં 7, મધ્ય ઝોનમાં10 અને સાઉથ ઝોનમાં 10 એકમને સીલ મારવામાં આવ્યા છે.ફેબ્રુઆરી મહિનાના 15 દિવસ દરમિયાન ચાર એકમને સીલ કરાયા છે અને આગામી સમયમાં અન્ય કોમર્શિયલ એકમો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.