Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન રૂપિયા 4 કરોડના ખર્ચે આંગણવાડીઓનું રિનોવેશન કરશે

Social Share

ગાંધીનગરઃ  શહેરની મ્યુનિ,કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 2022-23માં 4 કરોડના નવા સૂચિત કામોની યાદીમાં તંત્ર દ્વારા આંગણવાડીઓના રિનોવેશનનો નિર્ણય લેવાયો હતો.મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારની 111 આંગણવાડીઓનું સંચાલન હવે મ્યુનિ. દ્વારા કરાશે, અને જર્જરીત થયેલી આંગણવાડીઓના મકાનોનું  4 કરોડના ખર્ચ રિનોવેશન કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ,કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 2022-23માં 4 કરોડના નવા સૂચિત કામોની યાદીમાં તંત્ર દ્વારા આંગણવાડીઓના રિનોવેશનનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનને 2014-15માં લેન્ડફીલ સાઈટ માટે 20 કરોડ મળ્યા હતા. જગ્યાના અભાવે હજુ સુધી સાઈટ બની શકી નથી જેને પગલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હવે તંત્ર દ્વારા આ પૈસા નવા વિસ્તારોમાં ચાલતા વિકાસના કામોમાં ઉપયોગ કરાશે. ડમ્પિંગ સાઈટની કામગીરી માટે જેસીબી, આઈવા, ડમ્પર સહિતની મશીનરીઓ વાર્ષિક ધોરણે ભાડે લેવા માટે ઈજારાદારનું શીફ્ટ પ્રમાણે વ્હીકલનું 20,800ના ભાડાનું ટેન્ડર રદ્દ કરાયું હતું. એજન્સી પાસે પોતાના વ્હીકલ ન હતા, જેને પગલે તંત્ર દ્વારા પોતાના જ વાહનો હોય તેવી એજન્સીની પસંદગી કરાશે. બીજી તરફ ભાટ ગામતળ વિસ્તારમાં પાણી અને ગટરનું નેટવર્ક ઉભુ કરવા 9.65 કરોડનું ટેન્ડર, વાવોલ અને કુડાસણમાં 2.50 કરોડથી વધુના ખર્ચે લાઈબ્રેરી બિલ્ડિંગ ઉભુ કરવા અંગે ટેન્ડર મંજૂર કરાયું છે.

ગાંધીનગર મ્યનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એવા પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા કે, શહેરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 4 સંસ્થાઓને વૃક્ષારોપણ માટે જગ્યા અપાશે. જેમાં સામાજિક સંસ્થાઓ દ્વારા મિયાવાકી વન ઉછેર પદ્ધતિ દ્વારા વૃક્ષારોપણ કરાશે. મ્યુનિ. કોર્પોરેશન માત્ર જગ્યા અને તેને ફરતે વોલ કે ફેન્સિંગ કરી આપશે. સંસ્થાઓ દ્વારા છોડ લાવવાથી લઈને ઉછેરવાની કામગીરી કોઈ પણ પૈસા લીધા વગર કરાશે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા ગૌચરની જમીનો, તળાવોની આસપાસ અને ખુલ્લા પ્લોટ્સમાં વૃક્ષારોપણ કરાશે. જે માટે તંત્ર દ્વારા 1.30 લાખ જેટલા છોડ ફોરેસ્ટ વિભાગ પાસેથી લેવાયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિના અધિકારીઓ અને ચાર-પાંચ કોર્પોરેટર 9 જુલાઈના રોજ સ્વચ્છતાં સર્વેક્ષણમાં બાજી મારી જતાં ઈન્દોરની મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન સ્વચ્છતાં માટે થતી કામગીરી, કઈ રીતે સિસ્ટમ ગોઠવાઈ છે, કેવા પગલાં લેવાય છે વગરેનો અભ્યાસ કરાશે. જેના આધારે આગામી સમયે કોર્પોરેશનમાં પગલાં લેવાશે અને ગાંધીનગરમાં સફાઈના ટેન્ડરો સહિતની કામગીરી કરાશે.