ગાંધીનગરઃ યોગાને વધુ મહત્વ આપવાના હેતુથી ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના ચાર મહત્ત્વના વિસ્તારોમાં યોગ સ્ટુડિયો ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સેક્ટર-1ના ગાર્ડન પાસે, સેક્ટર-5, કુડાસણ ખાતે લાઇબ્રેરી પાસે, તેમજ પેથાપુર વિસ્તારમાં યોગ સ્ટુડિયો વિકસાવવામાં આવશે. જીવન જીવવાની કળા અને વિજ્ઞાનના સંગમનું ઉત્તમ ઉદાહરણ એટલે યોગ જે ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ પૈકી એક છે.તે અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક શિસ્ત છે, જે મન અને શરીર વચ્ચે સુમેળ લાવવાનું કાર્ય કરે છે.
માનવજાતની ઉદ્ધારક સમાન યોગ વિદ્યાનો પ્રચાર, પ્રસાર કરી દૈનિક જીવન સાથે જોડવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં 51 જગ્યાઓ પર યોગ સ્ટુડિયો શરૂ કરવા માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. “યોગા વે ઓફ લાઇફ”ના મંત્ર સાથે ગાંધીનગર શહેરના મહત્ત્વના ચાર વિસ્તારોમાં એસી યોગ સ્ટુડિયો ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સેક્ટર-1ના ગાર્ડન પાસે, સેક્ટર-5, કુડાસણ ખાતે લાઇબ્રેરી પાસે, તેમજ પેથાપુર વિસ્તારમાં યોગ સ્ટુડિયો વિકસાવવામાં આવશે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક યોગ સ્ટુડિયો દીઠ 38 લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવશે તથા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન પોતાના સ્વભંડોળમાંથી રૂપિયા 12 લાખ સુધીનો ખર્ચ કરશે. આ ફુલ્લી એરકંડિશન્ડ યોગ સ્ટુડિયો 4000 ચોરસ ફીટ કાર્પેટ એરિયામાં બનાવવામાં આવશે. જ્યા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વીજળી, પાણી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 9માં યોગ દિવસની ઊજવણી દરમિયાન સમગ્ર રાજ્યમાં 51 યોગ સ્ટુડિયો (યોગ નિલયમ) વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર શહેરને 4 યોગ સ્ટુડિયોની અમૂલ્ય ભેટ મળશે. આ સ્ટુડિયો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ડિઝાઇન કરવામાં આવશે. આ યોગ નિલયમ ખાતે યોગ બોર્ડ દ્વારા ફુલ ટાઇમ યોગ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. જ્યા નાગરિકોના આરોગ્ય સંબંધી પ્રશ્નોનું યોગ દ્વારા નિરાકરણ કરવામાં આવશે. પ્રકૃતિની વચ્ચે વસતા હરિયાળા શહેર ગાંધીનગરમાં આધ્યાત્મ અને આરોગ્યલક્ષી જાગૃતિની પ્રવૃત્તિઓ પણ આ યોગ નિલયમમાં કરવામાં આવશે.
ગાંધીનગર મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર ગાંધીનગરમાં પ્રાથમિક ધોરણે ચાર સ્થળો પર યોગ નિલયમ કેન્દ્રો શરુ કરવામાં આવશે. ત્યારબાદ યોગ્ય પ્રતિભાવ મળ્યેથી અન્ય જગ્યાઓ પર પણ જરૂરીયાત જણાયે યોગ નિલયમ કેન્દ્ર વિકસાવવાનું કામ ગાંધીનગર મ્યુનિ. દ્વારા કરવામાં આવશે. સમગ્ર યોગ નિલયમ કેન્દ્રનું સંચાલન નોડેલ એજન્સી તરીકે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન રહેશે.