Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાશે

Social Share

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 20મી ડિસેમ્બરથી 6મી જાન્યુઆરી દરમિયાન સેકટર-1ના સૂર્યજ્યોતિ તળાવ પાસે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોનો નજારો જોવા મળશે. અમદાવાદમાં રિવરફ્ર્ન્ટ પર દર વર્ષે જે રીતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે તે રીતે ગાંધીનગરમાં પણ ફ્લાવર સોનું આયોજન કરવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ફ્લાવર શો યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હરીયાળા શહેરમાં રંગબેરંગી ફુલોના નિદર્શન દ્વારા નવી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલ તેના આયોજન માટેની કવાયત ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 વર્ષ કરતા  વધુ સમયથી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અને તેમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે. બહારના લોકો પણ ખાસ ફ્લાવર શો જોવા માટે આવે છે. પરંતુ ગાંધીનગરમાં એકપણ વાર આ પ્રકારે ફ્લાવર શો યોજાયો નથી. આથી હવે અમદાવાદની પેટર્ન પર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ ડિસેમ્બર- જાન્યુઆરીમાં ફ્લાવર શોનું આયોજન કરાશે.

ગાંધીનગર મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સેક્ટર-1 ખાતે આવેલા સૂર્યજ્યોત તળાવ ખાતે અંદાજે 16 હજાર ચોરસમીટર વિસ્તારમાં ફ્લાવર શોનું આયોજન કરાશે. અમદાવાદની જેમ જ 20 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન આ ફ્લાવર શો યોજવામાં આવશે. ફ્લાવર શોના આયોજન, દેશ- વિદેશની વિવિધ પ્રજાતિના ફુલ છોડ લાવવા- તેની જાળવણી, તેને સંલગ્ન વિવિધ ઇવેન્ટ સહિતની બાબતો માટે ખાનગી એજન્સીની મદદ લેવામાં આવશે. અમદાવાદની જેમ જ ફ્લાવર શોમાં એન્ટ્રી માટે સામાન્ય ટીકીટ દર રાખવામાં આવે તેવી પણ શક્યતા છે. આ તમામ મામલે આગામી દિવસોમાં આખરી નિર્ણય લેવામાં આવશે. હાલ આયોજન માટે ગતિવિધિઓ ચાલી રહી છે. આ માટેની એજન્સી ફાઇનલ કરીને તેને કામ સોંપવામાં આવશે તે પછી મ્યુનિ. દ્વારા ફ્લાવર શોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગરમાં પ્રથમવાર ફ્લાવર શો યોજાઇ રહ્યો હોવાથી તે અમદાવાદ જેટલો વિશાળ નહીં હોય પરંતુ શ્રેષ્ઠ આયોજન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)