ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વરસાદને લીધે તૂટી ગયેલા રોડને 30 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરાશે
ગાંધીનગરઃ શહેરમાં વરસાદને કારણે ઘણાબધા વિસ્તારોમાં રોડ તૂટી ગયા હતા, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ મરામતના કામો હાથ ધરાયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 30 કરોડના ખર્ચે 6 જેટલા સેક્ટરમાં રસ્તાના રિસર્ફેસિંગની કામગીરી કરાશે. જેમાં સેક્ટર-3, 3 એ ન્યૂ તથા સેક્ટર-4 ખાતે આવેલા મનપા હસ્તકના રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 16.42 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજી તરફ સેક્ટર-1, 2 અને 5 ખાતે મનપા હસ્તકના રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 15.11 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. બંને કામગીરી માટે ટેન્ડર મંજૂર કરાયા છે. જેમાં મનપા દ્વારા સેક્ટર-3 અને 4ના વિસ્તારમાં 18.81 કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો હતો. બીજી તરફ સેક્ટર-1,2 અને 5ના વિસ્તારમાં મનપા દ્વારા 17.86 કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો હતો. જેની સામે એજન્સીએ 15.40 ટકાના નીચા ભાવે કામગીરીની તૈયારી બતાવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રેલવે સ્ટેશન ક્રોસિંગથી ક રોડ સુધીનો રસ્તો પહોળો કરવાની કામગીરી થશે. જેમાં 2.96 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટિની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંચાલિત તમામ મુક્તિધામોમાં અગ્નિસંસ્કાર અને દફનની કામગીરી કરવા બાબતે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી. આ ઉપરાંત મ્યુનિના વિસ્તારમાં આવેલા ઝુંડાલ અને અમિયાપુરમાં હયાત સ્મશાનનું રિનોવેશનનું કામ કરાશે. જે માટે મનપા દ્વારા 2.04 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. બીજી તરફ કુડાસણ ખાતે આવેલી ઉમા ઉદય કો. ઓ. હાઉસિંગ સર્વિસ સોસાયટી ખાતે જનભાગીદારીથી 9.44 લાખના ખર્ચ પેવરબ્લોક નાખવામાં આવશે. મનપાની કામગીરી માટે 50 ડુપ્લેક્ષ પ્રિન્ટરની ખરીદી થશે, જેમાં પ્રતિ નંગ 14,330 રૂપિયા ભાવને જોતા મનપા દ્વારા કુલ 7,16,500 રૂપિયાનો ખર્ચ કરશે.