Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.નું 512 કરોડનું ડ્રાફ્ટ બજેટ, મર્જ કરાયેલા 18 ગામોના વિકાસ માટે ખાસ જોગવાઈ

Social Share

ગાંધીનગરઃ  શહેરની મ્યુનિ.કોર્પોરેશનનું  ડ્રાફ્ટ બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું.  વર્ષ 2022-23નું 512 કરોડનુ બજેટ મંજુરા આપવામાં આવ્યુ હતું. ડ્રાફ્ટ બજેટ પહેલાં લોકોના સૂચનો મંગાવાયા હતા. 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મ્યુનિ.માં સમાવેશ કરાયો છે ત્યારે આ બજેટમાં આ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના બજેટનું કદ પણ વધ્યુ છે. ગત નાણાકીય વર્ષમાં 360.94 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયું હતું. ત્યારે આ વખતે બજેટ 500 કરોડથી વધુનું કદ છે. આ વર્ષે સ્ટેન્ડિંગ કમિટી  દ્વારા બજેટને લઈને નાગરિકોના સૂચનો મગાવાયા હતા. જેના આધારે સ્ટેન્ડિંગ કમિટીએ જરૂર જણાય ત્યાં બજેટમાં ફેરફાર કર્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પહેલીવાર નાગરિકો પાસેથી સુચનો મંગાવાયા હતા. જેમાં અલગ-અલગ વોર્ડના કોર્પોરેટર્સ દ્વારા પણ પોતાના વિસ્તારમાં કરવા જેવા કામોની રજૂઆતો કરવામાં આવી હતી.પ્રથમવખત સંપૂર્ણ બહુમતી સાથે મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના 41 કોર્પોરેટર્સ છે. ત્યારે દરેક કોર્પોરેટર્સને ન્યાય આપવો અઘરુ બની ગયુ હતુ. આમ છતા બહુમતીના જોરે ગાંધીનગર કોર્પોરેશનનું વર્ષ 2022-23નું 512 કરોડનુ બજેટ મંજૂર થઇ ગયુ છે. આ વર્ષે 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે. ત્યારે આ બજેટમાં આ તમામ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તફાવત ના રહે એવુ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.

ગાંધીનગર કોર્પોરેશનનાં વર્ષ 2022-23નાં સૂચિત અંદાજ પત્રમાં મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2022-23નાં અંદાજ પત્રમાં વિકાસના નવીન પ્રકારના કામો માટે તેમજ નાગરિક સુવિધા સગવડ માટે કેપિટલ ખર્ચના વિવિધ કુલ. રૂ. 36.905 લાખની જોગવાઈ કરાઈ છે. જે પૈકી રૂ. 4.200 લાખના નવા કામોની દરખાસ્ત સરકારમાં મંજૂરી અર્થે મોકલી અપાઈ છે. મુખ્ય માર્ગોની સફાઈ કામગીરી માટે કુલ રૂ. 3.357 લાખની જોગવાઈ કરાઈ છે. જેમાં મુખ્યત્વે શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોની સફાઈ પાછળ રૂ. 1.900 લાખની જોગવાઈ છે. નવા સમાવિષ્ટ વિસ્તારમાં પણ માર્ગોની સફાઈ માટે રૂ. 1.300 લાખની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત નવા સમાવિષ્ટ ગામડા ખોરજ, પોર, અમીયાપૂર, કોલવડા, વાવોલ, ભાટ, કોટેશ્વર અને સુઘડ ગામમાં નવી ડ્રેનેજ લાઈન, ગામતળ વિસ્તારમાં પાણીની નવી લાઈન તેમજ સુએજ પંપિંગ સ્ટેશન અને ટીપી વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક ઊભું કરાશે. આ ઉપરાંત આંતરિક રસ્તાઓ સીસી રોડના,મ્યુનિ.ની મિલ્કતો ફરતે કમ્પાઉન્ડ વોલ, કુડાસણમાં ટાઉનહોલ, સિનિયર સિટીઝન પાર્ક, લાઈબ્રેરી, જાહેર શૌચાલય, કોલવડા અને વાવોલમાં કોમ્યુનિટી હોલ, લાઈબ્રેરી, અદ્યતન સ્મશાન ગૃહ પણ નિર્માણ કરાશે. આ ઉપરાંત નવા વિસ્તારમાં ફાયર ચોંકી પણ ઉભી કરાશે.

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં ઘર વિહોણા લોકો માટે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ પણ રૂ. 500 લાખની જોગવાઈ કરાઈ છે. જે અન્વયે મ્યુનિના વિસ્તારમાં શેલટર હોમ બનશે. આ સિવાય મુક્તિ ધામ, કબ્રસ્તાન તેમજ નાના બાળક માટે દફન વિધિ અને અન્ય અંતિમ ધામોની જરૂરિયાત મુજબ કામગીરી માટે રૂ. 600 લાખની જોગવાઈ બજેટમાં કરાઈ છે. કુતરાના ખસીકરણ, એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર તેમજ ઢોર ડબ્બો માટે પણ બજેટમાં જોગવાઈ કરાઈ છે. મનપા વિસ્તારમાં આવેલી શાળાઓની સુવિધા વધારવા માટે પણ રૂ. 200 લાખ જોગવાઈ કરી છે.