Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની સ્થગિત કરાયેલી ચૂંટણીની સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા

Social Share

ગાંધીનગરઃ  ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થગિત થયેલી ચૂંટણીઓ યોજવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને આગામી એક સપ્તાહમાં ગમેતે ઘડી એ ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.  કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે ગાંધીનગર મહાનગર પાલિકા ની જાહેર થયેલી ચૂંટણી રાજય ચૂંટણી પંચે અચાનક સ્થગિત કરી હતી. અને દિવાળી બાદ આ ચૂંટણી યોજવાનું મન બનાવી દીધું હતું.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારે 6થી12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને પણ મંજુરી આપી દીધી છે. ત્યારે હવે કોરોનાના બીજાકાળ દરમિયાન દર કરાયેલી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની જાહેરાત ટુક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં કોરોનાના કેસ સતત ઘટતા રહ્યા છે.એટલું જ નહીં નવા કેસ નોંધાતા પણ નથી. માટે હવે નવરાત્રી ના દશેરા પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. અને આ માટે ગાંધીનગર મહાનગર પાલિકાના તંત્રવાહકોને ચૂંટણી માટે તૈયાર રહેવાની સૂચના આપી હોવાના સંકેત સૂત્રો દ્વારા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આ ચૂંટણી યોજવાની જાહેરાત થઈ ત્યારબાદ નામાંકન પત્ર ભર્યા પછી રાજકીય પક્ષના કેટલાક ઉમેદવારનું કોરોનાના કારણે આકસ્મિક મૃત્યુ પણ થયાં છે. ત્યારે આવા કિસ્સામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા કાયદાવિદોની સલાહ લેવામાં આવી રહી છે. તો બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે 11 વોર્ડની 44 બેઠકો ઉપર 280 થી વધુ મતદાન મથકોમાં ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ( આપ)વચ્ચે ત્રિ- પાંખિયો જંગ રાજકીય નગરી ગાંધીનગરમાં જામશે ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકાના 2.82 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જોકે રાજકીય પક્ષોની વાત કરીએ તો હાલ આમ આદમી પાર્ટી (આપ) ગાંધીનગર કોર્પોરેશનમાં સત્તા હાંસલ કરવા અત્યારથીજ લોક સંપર્કમાં લાગી ગયું છે.
જયારે કોંગ્રેસમાં હજુ પ્રદેશ પ્રમુખ થી માંડીને પ્રભારી સુધીની નિયુક્તિનું કોકડું ઉકેલાયું નથી. ત્યારે આ ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ રાજકીય પંડિતોનું માનીએ તો કોરોનામાં નાગરિકોને વેઠવી પડેલી હાલાકી , પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સહિત અનેક મોંઘવારી નો મુદ્દો ભાજપ માટે કોયડા સમાન બની રહે તેવા સંકેતો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ સપ્તાહમાં જ જાહેર થનાર ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણીમાં કયા રાજકીય પક્ષનો દબદબો રહેશે તે યક્ષ પ્રશ્ન છે.