ગાંધીનગર મ્યુનિ.દ્વારા વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ ગુરૂવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાશે
ગાંધીનગરઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 નાં ડ્રાફ્ટ બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી પાંચમી જાન્યુઆરીને ગુરુવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અંદાજીત 650 થી 700 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં નવા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આપવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ટર્મનું બીજું અને હાલના મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાગલેનું પ્રથમ બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ વિભાગો સાથે આ મામલે ચર્ચા કરીને ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2023 – 24નું આ ડ્રાફ્ટ બજેટ ગત વર્ષ કરતા 20 થી 25 ટકા જેટલું મોટું હોવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર શહેરની સાથે નવા ઉમેરાયેલા વિસ્તારમાંથી પણ અલગ અલગ વેરા વસુલવામાં આવી રહ્યા છે જેના થકી કોર્પોરેશનની આવક વધી છે. જેનાં કારણે કોર્પોરેશનનું આ વખતનું ડ્રાફ્ટ બજેટ 650 થી 700 કરોડ સુધીનો રહેવાનો અંદાજ પણ સેવામાં આવી રહ્યો છે. ઉપરાંત ગાંધીનગર શહેર તેમજ નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારોના વિવિધ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સ્થાયી સમિતિ દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવશે. આ માટે કોર્પોરેટરોના સૂચનો પણ લેવામાં આવશે અને ત્યારબાદ બજેટને મંજૂરી અર્થે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા બજેટમાં કોઈ નવા કરવેરા લાગુ કરવામાં આવે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું નથી. ત્યારે વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ માટે હવે કોર્પોરેશનમાં છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે.