Site icon Revoi.in

ગાંધીનગરઃ કારમાંથી મોતનો સામાન મળવાના કેસમાં એકની ધરપકડ, ATS તપાસમાં જોડાઈ

Social Share

અમદાવાદઃ પાટનગર ગાંધીનગર નજીક સરગાસણમાંથી હથિયારો ભરેલી બિનવારસી મોટરકાર મળી આવી હતી. કારમાં હથિયારો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન અમદાવાદમાંથી કારના માલિકની ધરપકડ કરીને તપાસ આરંભી છે. પોલીસે હથિયારોને લઈને આરોપીની પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપી સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળે છે. ગુજરાત એટીએસની ટીમે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરગાસણ ખાતે એક સ્થળ પરથી પાર્ક કરેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે કારની અંદર તપાસ કરતા અંદરથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી મોટી માત્રામાંથી હથિયારોનો જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પ્રાથમિક તપાસમાં કાર અમદાવાદ પાર્સિંગની હોવાનું ખુલ્યું હતું. પોલીસની ટીમ કાર પાર્સિંગના આધારે તેના માલિક જિતેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. પોલીસે કાર માલિક જિતેન્દ્ર પટેલની અટકાયત કરીને આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આ ઉપરાંત હથિયારોના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

રેન્જ આઇજી અભય ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આટલા હથિયારો શા માટે લાવ્યો હતો તે બાબતે તપાસ ચાલુ છે અને પેન ડ્રાઈવ અને અન્ય ચીજો મળી આવી હતી. ગુજરાત ATSમાં પણ ગુનો નોંધાયેલો છે અને અગાઉ આ આરોપી સામે ગુનો નોંધાઇ ચુક્યો છે તેમજ સ્થાનિકોની જાણકારી બાદ ગુનો રજીસ્ટર થયો હતો.