ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની ચૂંટણી, PM મોદીના 99 વર્ષના માતુશ્રી હીરાબા ચાલીને મતદાન કરવા ગયા
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં આજે રવિવારે મતદાન યોજાયું હતું. સવારે મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહતો. અઢી કલાક દરમિયાન સરેરાશ 12 ટકા જેટલું મતદાન થયું હતું. સવારે એક કલાક દરમિયાન જેટલું મતદાન થયું હતું તે પછી મતદાનની ટકાવારીમાં ધીમે-ધીમે વધારો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષના માતા હીરાબાએ પણ મતદાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરના રાયસણમાં રહેતા માતા હીરાબાએ વોર્ડ નંબર-10ના મતદાન મથક પર પહોંચીને પતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાયસણમાં આવેલા વાડીભાઈ વિદ્યા સંકુલમાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેઓ જ્યાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા તે વોર્ડ નંબર-10નું બૂથ નંબર 4 હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પંકજ મોદી સાથે હીરાબા કારમાં આગળની સીટ પર બેસીને મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે પોતાના કરેલું શાહીનું નિશાન બતાવ્યું હતું. 99 વર્ષના હોવા છતાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તેઓ હંમેશા પોતાના મતાધિકારનો અચુક ઉપયોગ કરે છે. તેમના માટે મતદાન મથક પર વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે, તેમણે તેનો ઉપયોગ કરવાના બદલે ચાલીને મતદાન મથક પર પહોંચ્યા હતા.
ગાંધીનગર શહેરના 284 બૂથમાંથી 4 અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે અન્ય 144 સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી માટે 11 વોર્ટમાં 5 ચૂંટણી અધિકારી અને 1775 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય અહીં 1270 પોલીસકર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં યોજાનારી ચૂંટણીમાં 162 ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી સૌથી વધારે ઉમેદવાર વોર્ડ નંબર-1 (સેક્ટર-25, 26 અને રાંધેજા)ના છે. જેમાં કુલ 12 ઉમેદવારો સામે 8 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં હાર જીતનો દારોમદાર તેમના પર નિર્ભર રહેશે તેમ માનવામાં આવે છે. જોકે, કોણ બાજી મારે છે તે તો પરિણામના દિવસે જ માલુમ પડશે.