ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં છેલ્લા વર્ષોમાં વસતિની સાથે વાહનોની સંખ્યમાં પણ વધારો થયો છે. ત્યારે ગાંધીનગરની આરટીઓ કચેરી પર ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ટેસ્ટ માટે રોજબરોજ ઘણાબધા અરજદારો આવી રહ્યા છે. આરટીઓ કચેરીના કેમ્પસમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો સેન્સર ટ્રેક બનાવ્યા છે. પરંતુ સેન્સર વારંવાર બગડી જવાથી ટ્રેક બંધ રાખવાની ફરજ પડે છે. એટલે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે દુર દુરથી આવેલા અરજદારોને નિરાશ થઈને પરત ફરવું પડે છે.
ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે ટેક્નિકલ ખામીના કારણે ડ્રાઈવિંગ લાયસન્સનો ટેસ્ટ ટ્રેક માંડ એક મહિનો ચાલીને ફરીથી બંધ પડી ગયો છે. જેથી કરીને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે આવેલા અરજદારોને ફરીથી તારીખ લેવાનો વારો આવ્યો છે. ગત માસ પણ 3 સપ્તાહ સુધી સેન્સરની ખામીના કારણોસર ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો હતો. છાશવારે બંધ થઈ જતાં ટ્રેકના કારણે અરજદારોને આરટીઓના ધક્કા ખાવા પડી રહ્યાં છે. માંડ એક મહિનો શરૂ રહેલાં ટ્રેકમાં ખામી સર્જાતા તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો પણ આ સમસ્યાથી પીછો છોડાવવા માટે મથી રહ્યાં છે. પરંતુ ટ્રેકના સેન્સરમાં વારંવાર ખામી સર્જાય છે. આરટીઓમાં ટેકનિકલ સ્ટાફ ના હોવાને કારણે ટેક્નિકલ ખામી સર્જાતા દરેક વખતે સત્તાધિશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણકે ટ્રેક સંબધિત ટેક્નિકલ જ્ઞાન માત્ર જે-તે એજન્સીના કર્મચારીઓને જ હોય છે. જેના કારણે નજીવી એરર જેવી ખામીના કારણે પણ ટ્રેકની કામગીરીમાં બ્રેક વાગી જતી હોય છે.
ગાંધીનગર કચેરીના આરટીઓના અધિકારીઓએ તેમના ઉપરી સત્તાઘિકારીઓને પણ આ બાબતે જાણ કરી છે. ગુરૂવારની અપોઈમેન્ટ બંધ ટ્રેકના કારણોસર રદ્દ કરવામાં આવી હતી. ગત માસની જેમ હજુ લાંબા સમય માટે ટ્રેક બંધ ના થઈ જાય તે બાબતે અરજદારો પણ ચિંતિત છે. આ ઉપરાંત ફરીથી ટેસ્ટ આપી શકે તે માટેની રાહ પણ જોઈ રહ્યા છે. જો કે ગત વખતની સેન્સરની સમસ્યાની બદલે આ વખતે સર્વર ડાઉન હોવાની સમસ્યા ઉદ્દભવી છે. પરંતુ તંત્ર માટે તો એક સાંધતાં તેર તૂટે તેવી દશા હાલના સમયે જોવા મળી રહી છે. ગત માસનું કામનું ભારણ માંડ માંડ ઓછું થયું હતું પરંતુ જો આગામી દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે તો ફરીથી કર્મચારીઓ માટે પણ કામનું ભારણ વધશે.