Site icon Revoi.in

ગાંધીનગર RTOનો નવો નિયમ, અરજદારો પાસે પોતાનુ વાહન હશે તો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે

Social Share

ગાંધીનગરઃ શહેરની આરટીઓ કચેરીમાં ટ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારો પાસે પોતાનું વાહન હોય તો જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યા છે. જેના લીધે અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કહેવાય છે. કે, અન્ય જિલ્લાઓની આરટીઓ કચેરીઓમાં આવો કોઈ નિયમ નથી. તો ગાંધીનગર આરટીઓ કચેરીમાં જ કેમ આવો નિયમ છે. એવો અરજદારો પ્રશ્ન પૂછી રહ્યા છે.

ગાંધીનગર આરટીઓ કચેરી વિવિધ કારણોસર સતત ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે અરજદારોને ડ્રાયવિંગ ટેસ્ટ આપવા માટે પોતાની કાર જોઈશે તે મુદ્દો ચર્ચા સ્થાને રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી કેટલાંક અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા લેભાગુ એજન્ટોને ડામવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને અરજદારો લૂંટાય નહીં. પરંતુ સંબધી કે મિત્રની કાર લઈને ટેસ્ટ આપવા આવતાં અરજદારોને પણ આરસી બુક બતાવીને કારના મૂળ માલિકની ખરાઈ કરાવ્યાં બાદ યોગ્ય લાગે તો જ ટેસ્ટ આપવા દેવામાં આવે છે. ગરમીના દિવસોમાં અરજદારોને આ પ્રકારે ટેસ્ટ આપવા માટે ખરાઈ કરવી પડે છે તેમજ છાશવારે બંધ થતાં ટેસ્ટ ટ્રેકના કારણે પણ ધક્કા ખાવા પડે છે. એજન્ટોનો ભોગ અરજદારો ન બને તે માટે કરાયેલ નિર્ણય યોગ્ય છે. પરંતુ અરજદારો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ગાંધીનગર આરટીઓ કચેરીના સૂત્રોના કહેવા મુજબ એજન્ટોની લૂંટને રોકવા માટે તંત્રે અગાઉ ડ્રાયવિંગ સ્કૂલ ચલાવનારની કાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત અન્ય કિસ્સામાં એજન્ટો દ્વારા પાસ કરાવી આપવાના નામે ખોટાં રૂપિયા અરજદારો પાસેથી ખંખેરી લેવાતાં આરટીઓ તંત્રે કડક કાર્યવાહી કરી છે. પરંતુ આમ કરવાથી જે જરૂરિયાતમંદ અરજદારો છે તેમને પોતાની કાર હોય તો જ ડ્રાયવિંગ લાઇસન્સ મેળવી શકે તેવો ઘાટ સર્જાયો છે. દરેક કિસ્સામાં આ પરિસ્થિતિ સર્જાતી નથી, પરંતુ ટેસ્ટ આપવા આવતાં અરજદારોની કારની આરસી બુક તપાસવામાં આવે છે. આરટીઓની નજીકના ભાગમાં જ ચાલતી કેટલીક ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો આ પ્રકારે પૈસા લેતાં હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું, જેથી કરીને આરસી બુક સહિત વાહન માલિકની ખરાઈ કરવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ અરજદારો પરેશાન ન થાય તેનું ધ્યાન રાખવાની માગ ઊઠી છે.