ગાંધીનગરઃ અત્યાર સુધીમાં ખરીફ પાકનું 92 ટકા વાવેતર, કપાસ અને બાજરીનું વાવેતર વધ્યું
અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે અને આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ગાંધીનગરમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 92 ટકા જેટલુ ખરીફ પાકનું વાવેતર થયું છે. આ વર્ષે સૌથી વધારે વાવેતર કપાસ, બાજરી, જુવાર, તુવેર અને મઠનું થયું છે. ગાંધીનગર જિલ્લામાં હજુ ખરીફ પાકનું વાવેતર વધવાની આશા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તલુકામાં 38 હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકના વાવેતર સાથે 94 ટકા, ગાંધીનગર તાલુકામાં 28545 હેક્ટરમાં વાવેતર થવા સાથે 89 ટકા, કલોલ તાલુકામાં 25 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા સાથે 93 ટકા અને માણસા તાલુકામાં 25 હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર થવા સાથે 89 ટકા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવણી થઈ છે. આ સાથે જિલ્લામાં 1.16 લાખ હેક્ટર વિસ્તારમાં મતલબ કે 92 ટકા વાવેતર પૂર્ણ થયું છે.
ડાંગરનું વાવેતર 13 હજાર હેક્ટરની સરેરાશ સામે 12 હજાર હેક્ટરમાં થઇ ગયું છે. જ્યારે બાજરીનું વાવેતર 1600 હેક્ટરમાં, જુવારનું 5 હેક્ટરની સામે ૨૧ હેક્ટરમાં, મકાઇનું 9 હેક્ટરની સામે માત્ર 1 હેક્ટરમાં, તુવેરનું 10 હેક્ટરની સામે 66 હેક્ટરમાં, મગનું 1644 હેક્ટરની સામે 862 હેક્ટરમાં, મઠનું 310 હેક્ટરની સામે 360 હેક્ટરમાં, અડદનું 937 હેક્ટરની સામે 522 હેક્ટરમાં, અન્ય કઠોળનું 1 હેક્ટરની સામે 5 હેક્ટરમાં, મગફળીનું 12 હજાર હેક્ટરમાં, તલનું 308 હેક્ટરમાં, દિવેલાનું 16 હજાર હેક્ટરમાં, સોયાબિનનું 86 હેક્ટરમાં, કપાસનું 22 હજાર હેક્ટરમાં, ગુવારનું 3172 હેક્ટરમાં, શાકભાજીનું 12 હજાર હેક્ટરમાં, ઘાસચારાનું 33 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે વરિયાળીનું 418 હેક્ટરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.