ગાંધીનગરઃ આજે રક્ષા બંધનના પર્વને લીધે એસ ટી નિગમ દ્વારા રાજ્યના દરેક ડેપોએથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર એસટી ડેપો દ્વારા વિવિધ રૂટ્સની બસો કેન્સલ કરીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. ઉપરાંત ગાંધીનગર ડેપોમાંથી 48 બસોને અમદાવાદ ડિવિઝન ખાતે મોકલી આપવામાં આવી છે. આથી આજે રક્ષાબંધન પર્વ હોવાથી મુસાફરોના ધસારાની સામે ડેપોમાં બસો જ નહીં હોવાથી મુસાફરોને ખાનગી વાહનમાં જવાની ફરજ પડી હતી. ઉપરાંત ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર સિવાય અન્ય કોઈ જ અધિકારી પણ નહીં હોવાથી મુસાફરોની હાલત કફોડી બની જવા પામી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે મુસાફરોને બસની સુવિધા મળી રહે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવ્યુ હોવાથી ગાંધીનગર ડેપોની 48 બસોને રવિવારે અમદાવાદ ડિવિઝન ખાતે મોકલી આપવામાં આવી હતી. પરંતુ તેની સામે નગરના ડેપોમાં રક્ષાબંધન તહેવારને કારણે મુસાફરોના ધસારાની સામે બસોનું આયોજન પણ કરવામાં નહીં આવતા મુસાફરોની હાલત કફોડી બની જવા પામી હતી. રવિવારે ગાંધીનગરના ડેપોની કુલ 48 બસોને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. જેમાં 45 બસો તો એક્સ્ટ્રા સંચાલન માટે જ્યારે 3 બસોને રેગ્યુલર રૂટની અમદાવાદ ખાતે મોકલી હતી. પરંતું આ ત્રણેય બસોને પણ પરત નહીં મોકલતા કુલ 48 બસોને એક્સ્ટ્રા સંચાલનમાં રાખી દેવામાં આવી હતી. જેને પરિણામે ગાંધીનગરના ડેપોમાં ઉમટેલા મુસાફરો માટે બસો નહીં મળવાથી તેઓને ખાનગી વાહનમાં જવાની ફરજ પડી હતી. જોકે જાગૃત નાગરિકો દ્વારા આ મામલે વિભાગીય કચેરી સુધી રજૂઆત કરવામાં આવતા ડેપોના અધિકારીઓની ફોજ બસ સ્ટેન્ડ ખાતે દોડી આવી હતી. પરંતુ બસનું આયોજન નહીં થવાથી એક જ બસમાં જાણે કિડિયારૂ ઉભરાયું હોય તે રીતે મુસાફરો બેસી જતા બસ ખીચો ખીચ ભરાઈ જવા પામી હતી.