ગાંધીનગરઃ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@2047નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્સેપ્ટથી યુવાશક્તિને ગ્લોબલ કોમ્પિટીશનમાં આગવી ઓળખ આપી છે.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં એગ્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઇ રહેલી સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023ના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-ઇવેન્ટ તરીકે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ તથા એન્જલ નેટવર્ક્સના વિચારો તથા તકોના આદાન-પ્રદાનના એક સક્ષમ પ્લેટફોર્મ તરીકે આ કોન્ક્લેવ ગુજરાતને દેશ વિદેશ સાથે સાંકળતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ તરીકે યોજાઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ક્લેવમાં સહભાગી યુવા અને ઉત્સાહી સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું કે, યુવાઓને પારંપરિક પદ્ધતિના જ્ઞાન-કૌશલ્યથી આગળ વધીને સમયાનુકૂલ ગ્લોબલ પ્રેક્ટિકલ નોલેજ તથા ઇનોવેશન્સને વાસ્તવિક સ્વરૂપ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સમયથી બે કદમ આગળનો વિચાર કર્યો છે. આ માટે વડાપ્રધાનએ 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવેલો છે. આ સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સિદ્ધિ પાછળ વડાપ્રધાનની દેશના યુવાઓના સામર્થ્યને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાની ગેરંટી છે. તેમણે નયા ભારતના નિર્માણ માટે જે યુવા કેન્દ્રી યોજનાઓ અને સફળ પ્રયાસો કર્યા છે તેમાં ગુજરાત અગ્રણી રહ્યું છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતે 2016માં સ્ટાર્ટઅપ પોલિસી લાગૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પોલિસીની ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની સફળતાને પગલે SSIP 2.0થી રૂ. 500 કરોડના પ્રાવધાન સાથે રાજ્યના યુવાછાત્રોના નવાચાર-ઇનોવેશનને ઇન્ડસ્ટ્રીમાં બદલવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ રાજ્ય સરકારે આપ્યું છે તથા સર્વગ્રાહી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરી છે.
ગુજરાત આ સકારાત્મક પ્રયાસોના પરિણામ સ્વરૂપે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ત્રણવાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું છે તેમ પણ તેમણે ગૌરવ સહ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટ તરીકે આ સ્ટાર્ટઅપ કોન્કલેવ ગુજરાત અને દેશના યુવા સ્ટાર્ટઅપને દુનિયા સાથે જોડવા તેમજ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટે ઉત્તમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી ગુજરાતના વેપાર ઉદ્યોગની ઇકોસિસ્ટમને ગ્લોબલ મેપ પર ચમકાવવા ૨૦૦૩થી વાઇબ્રન્ટ સમિટની થયેલી નવતર-ઇનોવેટિવ શરૂઆત આજે વટવૃક્ષ રૂપે વિકસી છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રોને ફોકસ કરીને ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે જાન્યુઆરી-૨૦૨૪માં યોજાશે. આ ઉભરતા સેક્ટરમાં પણ યુવા સ્ટાર્ટઅપને પ્રેરિત કરવા વાઇબ્રન્ટ સમિટની આ પ્રિ-ઇવેન્ટ કોન્ક્લેવ ઉપયુક્ત બનશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આપેલા વિચાર મંત્ર ‘યહી સમય હૈ, સહી સમય હૈ, ભારત કા અનમોલ સમય હૈ’ નો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ અનમોલ સમય એવા અમૃતકાળમાં ઇનોવેશન દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરીને વિકસિત ભારત-ઉન્નત ભારત બનાવવા તેમણે યુવાશક્તિને પ્રેરક આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હેલિપેડ ગ્રાઉન્ડ-ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023″નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, આઝાદી બાદ ભારતના ઇતિહાસમાં અત્યારે સૌથી સુવર્ણ અને ઐતિહાસિક સમય ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજીટાઇઝેશન અને ટેકનોલોજીના વિશેષ મહત્વ આપ્યું છે. જેના પરિણામે વર્ષ 2014થી દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમ અને ડિજીટલ ઈકો સિસ્ટમ સતત પ્રગતિ રહી છે. એક સમયે કન્ઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા 9 વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023″ના વિજેતાઓને એવોર્ડ – પ્રમાણપત્ર તેમજ “ઇન્વેસ્ટર્સ પિચ”ના વિજેતાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રીએ i-Hubની કોફી ટેબલ બૂક અને હેકથોન રિપોર્ટ લોન્ચ કર્યો હતો.