Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કમિશનરે 397 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું કરવેરા વિનાનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યુ

Social Share

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કમિશનર દ્વારા 397 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું કરવેરા વિનાનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ ડ્રાફ્ટ બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાયા બાદ હવે સુધારા વધારા સાથે જાહેર કરાશે. ત્યારબાદ મ્યુનિની સામાન્ય સભામાં મંજુરી માટે રજુ કરવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વર્ષ 2024-25નું 397.75 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડીંગની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું.  લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી આ વખતે કોઈપણ પ્રકારના નવા વેરા લાદવામાં આવ્યા નથી. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર જે એન વાઘેલાએ જણાવ્યું હતું કે,  વર્ષ 2024-25 નું બજેટ ભારત સરકારના વિકસિત ભારત સંકલ્પયાત્રાના અને વર્ષ 20236ના ઓલમ્પિકના યજમાન પદના દાવા માટે ભારત સરકારના પ્રયત્નો માટે આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા માટે અમૃતકાળ સમયનો આ એક નાનકડો પ્રયાસ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં મહાત્મા મંદિર, લીલા હોટલ અને ગીફ્ટ સિટીને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમીટ/કોન્ફરન્સનું આયોજન અવાર નવાર કરાતું હોય છે. જેના કારણે દેશ વિદેશના મહાનુભાવો ગાંધીનગર શહેરની મુલાકાતે આવતા હોય છે. તેથી ગાંધીનગર શહેરની આજુબાજુના આંતરમાળખાકીય સુવિધા, સફાઈ અને લેન્ડસ્કેપીંગ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના હોવા જરૂરી છે. જેથી આ બજેટમાં અપેક્ષાને અનુરૂપ આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધા ઉપર ખાસ ભાર મુકવામાં આવેલ છે. આ વખતે પણ પ્રોપર્ટી ટેક્ષ કે સફાઈ વેરાનો કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી. પરંતુ વસુલાતની કાર્યવાડી કડક અને સઘન રીતે હાથ ધરવા ભાર મૂકવામાં આવ્યો છે. જેના પરિણામે નાણાકીય વર્ષ 2022-23 માં પ્રોપર્ટી ટેક્ષની કુલ આવક રૂ. 52 કરોડની હતી. જે નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં રૂ.65 કરોડ થશે. પ્રોપર્ટી ટેક્ષમાં ગત વર્ષની સરખામણીએ 22 ટકા વધારો થયો છે.

તેમણે કહ્યું હતું કે, વર્ષ 2023-24 ના મંજૂર  રેવન્યુ આવક રૂ. 289.77 કરોડ સામે રીવાઈઝ અંદાજ મુજબ 584.77 કરોડ થવા પામી છે. એટલે કે રેવન્યુ આવકમાં 101 ટકાનો વધારો થયો છે. એ જ રીતે કેપિટલ આવક રૂ. 481.34 કરોડની સામે રિવાઈઝ્ડ અંદાજ મુજબ રૂ. 539.98 થઈ છે. જે કેપિટલ આવકમાં 12.18 ટકાનો નો વધારો સૂચવે છે. ગત વર્ષ મંજૂર થયેલ રેવન્યુ ખર્ચ રૂ.221.80 કરોડની સામે રિવાઈઝ્ડ અંદાજ મુજબ રૂ. 246.30 કરોડ થઈ છે, એટલે કે રેવન્યુ ખર્ચમાં 11 ટકાનો વધારો થયો છે.