Site icon Revoi.in

ગાંધીનગરઃ વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચોમાસાને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાનની કરાઈ ચર્ચા

Social Share

અમદાવાદઃ ચોમાસાના આગમન પૂર્વે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. આ બેઠકમાં હવામાન વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ હાજરી આપી ચોમાસાની સંભવિત પરિસ્થિતને પહોંચી વળવા તમામ પ્રકારના આયોજન સંદર્ભે ચર્ચા કરી હતી.

હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. વરસાદના કારણે કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે વિવિધ વિભાગના અધિકારીઓએ આયોજન અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારીએ આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર કરાયેલા ડીપ્લોયમેન્ટ પ્લાન અંગે માહિતી આપી હતી. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યુ હતુ.

સિંચાઈ વિભાગના અધિકારીએ રિજિયનવાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. સિંચાઈ વિભાગ અનુસાર રાજ્યના 206 જળાશય પૈકી બે જળાશય એલર્ટ પર છે જ્યારે એક જળાશય વોર્નિગ પર હોવાનું જણાવાયુ હતુ. સરદાર સરોવરના અધિકારીએ સરદાર સરોવર સ્ટોરેજ વિશે ચર્ચા કરી હતી. ઈસરોના અધિકારીએ જૂન માસમાં સંભવિત વરસાદની તેમજ કૃષિ વિભાગના અધિકારીએ ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરી હતી.