ગાંધીનગરઃ શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તા.13મી ઓગસ્ટને રવિવારે રોજ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે શાહ તેમના મત વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ કરશે. જેમાં ગાંધીનગર શહેરી વિકાસ મંડળના વિસ્તારમાં 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ – 13ના પ્લોટ નંબર 319 અને 309 ખાતે પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS – 2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા 68 કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા 792 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
વાવોલ ગામ નજીક તૈયાર થયેલા આવાસોમાં દરેક બ્લોકમાં આધુનિક લીફટ તથા ફાયર લીફટની સુવિઘા આપવામાં આવી છે. આવાસના પરિસરમાં, કોક્રીટ રોડ, પાર્કિંગ, કંમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન સાથેનો એન્ટ્રી ગેટ, સ્ટ્રીટલાઇટ, સોલર સિસ્ટમ, જનરેટર, બગીચા સાથેનો કોમન પ્લોટ, પાણીનો બોરવેલ સાથે અંડર ગ્રાઉન્ડ સમ્પ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર ફાઇટનીંગ સિસ્ટમ, કોમ્યુનિટી હોલ જેવી અનેકવિઘ સુવિધોઓ પૂરી પાડવામાં આવી છે. 800 જેટલા પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન ગાંધીનગર શહેરી વિસ્તારમાં માત્ર 5.50 લાખમાં સાકાર થશે. એક આવાસની કુલ કિંમત 8.50 લાખ છે. જેમાંથી રૂપિયા 3 લાખની સહાય સરકાર દ્વારા આ લાભાર્થીઓને આપવામાં આવી છે. આ સાથે વાવોલ વિસ્તારમાં પ્લોટ નંબર- 315 અને 329 ખાતે રૂપિયા 2.80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બે બાગ-બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા 85 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાન અને રૂપિયા 1 કરોડ 25 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અન્ય અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે મોટી આદરજ ગામ ખાતે રૂપિયા 12 કરોડ 34 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી. તથા પંપીગ બનાવવાના કામાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે રૂપિયા 40 કરોડના ખર્ચે ગાંધીનગરના ક- 7થી રાંધેજા-બાલવા-માણસા સુધીના રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1.48 કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઇ માસ્ટ પોલના કામનું ખાતમુહર્ત કરવામાં આવશે. તેમજ માણસાના વૈભવ- વારસા સમા ચંદ્વાસર તળાવના બ્યુટિફિકેશનનું કામ અમતૃ સરોવર – 2.0 યોજના હેઠળ રૂપિયા 4 કરોડ 23 લાખના ખર્ચ થનાર છે. જે કામનું ખાતમુહૂર્ત કરાશે. માણસા તાલુકામાં રૂપિયા 11 કરોડના ખર્ચે મોડેલ સબ રજીસ્ટિરા કચેરીના નવીન ભવન નિર્માણ કરવાના કામનું ભૂમિ પૂજન કરવામાં આવશે. તેની સાથે બાપુપુરા પી.એચ.સી અને ચરાડા સી.એચ.સી. ની તકતિનું અનાવરણ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે કરવામાં આવશે. તેમજ એન.એસ.જી. હબ માટે લેકાવાડા નજીક 60 એકર જમીનમાં રૂપિયા 215 કરોડના ખર્ચે તૈયાર થનારા સંકુલનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે કરાશે.