ગાંધીનગરઃ અમેરિકાના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝએ CM ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી
અમદાવાદઃ અમેરિકાના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત કરી હતી. ડેવિડ રેન્ઝ અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ તરીકે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કામગીરી વિસ્તાર ધરાવે છે. મુખ્યપ્રધાન પટેલને મળતાં પૂર્વે તેઓ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા અને અમદાવાદની મુલાકાત લઇને ગાંધીનગર આવ્યાં હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમને કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે હવે દેશના જ નહિ, વિદેશોના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે. વિકાસ કરવા સાથોસાથ પર્યાવરણ જાળવણી સાથે આકાર પામેલું આ SOU પરિસર સ્થાનિક લોકોને રોજગારી આપનારૂં એક પ્રજાહિત કાર્યનું ધામ બન્યું છે. ગુજરાતમાં યુ.એસ.એ માંથી 11.36 બિલીયન યુ.એસ.ડોલરનું FDI આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ કાર્યરત 120 જેટલી યુ.એસ. ઊદ્યોગ ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા વધે અને આવનારા દિવસોમાં ત્યાંના વધુ ઊદ્યોગો ગુજરાતમાં વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક અભિગમની તત્પરતા વ્યકત કરી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝને ગુજરાતની વિશ્વ ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટમાં તેમજ ગુજરાતમાં આગામી માર્ચ-2022 માં યોજાનારા ડિફેન્સ એકસપોમાં યુ.એસ ઊદ્યોગો-પ્રતિનિધિમંડળોને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.